
નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પહેલી ઓકટોબરથી બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ્સની આયાત પર ૧૦૦ ટકા ટેરિફ લાદીને ભારત પર બીજો ફટકો માર્યો છે. ભારતની અનેક ફાર્મા કંપનીઓ અમેરિકાની બજારમાં મોટેપાયે નિકાસ કરે છે.
જોકે એક તરફ ફાર્મા ઉદ્યોગના સંગઠનો એવા સંકેત આપે છે કે, ટ્રમ્પના ફાર્મા પર ૧૦૦ ટકા ટેરિફના નિર્ણયથી સ્થાનિક ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા ઓછી છે, તો બીજી તરફ શેરબજારમાં અને ફાર્મા કંપનીઓના શેરમાં કડાકા પડ્યા છે!
ફાર્મા ઉદ્યોગના સંગઠને એવું વિધાન કર્યું છે કે, પહેલી ઓક્ટોબરથી ફાર્માસ્યુટિકલ દવાઓ પર ૧૦૦ ટકા આયાત ટેરિફ લાદવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પગલાથી ભારતીય નિકાસ પર તાત્કાલિક અસર થવાની શક્યતા ઓછી છે, કારણ કે તે ફક્ત પેટન્ટ અને બ્રાન્ડેડ ઉત્પાદનોને અસર કરશે, જેનેરિક દવાઓને નહીં.
જોકે, આ તરફ બીએસઇનો હેલ્થકેર ઇન્ડેક્સ ૧.૩૯ ટકાના કડાકા સાથે ૪૩,૩૭૬.૦૪ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. ટ્રમ્પના ફતવાની અસેર શેરબજારમાં કડાકો પડ્યો અને સાથે ફાર્મા કંપનીઓના શેરમાં પણ જોરદાર ધોવાણ જોવા મળ્યું હતું. વોકહાર્ટ લિમિટેડ ૬.૫૮ ટકા, નેટકો ફાર્મા ૫.૪૬ ટકા, સન ફાર્મા ૪.૯૬ ટકા, ઇન્ડોકો રેમેડીઝ ૪.૭૦ ટકા, ગ્લેનમાર્ક ફાર્મા ૨.૮૮ ટકા, અરબિંદો ફાર્મા ૨.૪૪ ટકા અને ડો. રેડ્ડીઝ ૨.૩૧ ટકા ઘટ્યા હતા.
નોંધવું રહ્યું કે ઉપરોક્ત સંગઠન ૨૩ અગ્રણી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા, લ્યુપિન અને ઝાયડસ લાઇફસાયન્સિસનો સમાવેશ થાય છે, એ નોંધ્યું છે એ ખરુ છે કે, ટ્રમ્પના નવીનતમ ટેરિફ ફતવાથી જેનેરિક દવા ઉત્પાદકો પર કોઈ અસર નહીં થશે. ટ્રમ્પે પરોક્ષ રીતે કંપનીઓને અમેરિકામાં ઉત્પાદન સવલત સ્થાપવા દબાણ પણ કર્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પરની તેમની પોસ્ટમાં, ટ્રમ્પે લખ્યું હતું કે, ઓક્ટોબર, ૨૦૨૫થી અમે કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ ધરાવતા ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પર ૧૦૦ ટકા ટેરિફ લાદીશું, સિવાય કે કોઈ કંપની અમેરિકામાં તેમનો ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવી રહી હોય, તો એના પર આ ટેરિફ લાગુ નહીં થાય.
આ પણ વાંચો…ટ્રમ્પનો ભારતને વધુ એક ફટકો, વિદેશી દવાઓ પર 100 ટકા ટેરિફ, ક્યારથી થશે અમલ ?