વેપાર

સ્થાનિકમાં શુદ્ધ સોનું 618ની તેજી સાથે 72,000ની પાર, ચાંદીએ 86,000ની સપાટી કુદાવી

મુંબઈ: ગત શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યાજ દરમાં કપાતના પ્રોત્સાહક સંકેતો આપવાની સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ આૈંસદીઠ 2500 ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સુધારો આગળ ધપ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 616થી 618ની તેજી આવી હતી, જેમાં શુદ્ધ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 72,000ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1576ના ઉછાળા સાથે રૂ. 86,000ની સપાટી કુદાવી ગયા હતા.

આજે વિશ્વ બજારમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 30 ડૉલરની સપાટી પાર કરી ગયા હોવાથી સ્થાનિકમાં .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1576ના ઉછાળા સાથે રૂ. 86,000ની સપાટી કુદાવીને રૂ. 86,191ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ આગેકૂચ જળવાઈ રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 616 વધીને રૂ. 71,754 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 618 વધીને રૂ. 72,042ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગત શુક્રવારે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જેક્સન હૉલ ખાતેનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે હવે વ્યાજદરમાં કપાતનો સમય નજીક આવી ગયો છે. આમ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાતની શક્યતા બળવત્તર બનતાં ડૉલર અને ટે્રઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ચમકારો આવ્યો હતો.

વધુમાં આજે લંડન ખાતે સુધારો આગળ ધપતા હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 2524.30 ડૉલર અને 2560.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે એક ટકો વધીને આૈંસદીઠ 30.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 13 મહિનાની નીચી સપાટીએ પહોંચવાની સાથે ટે્રઝરીની યિલ્ડમાં પણ પીછેહઠ થતાં સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું કેસીએમ ટે્રડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલર ઈન્ડેક્સ અને ટે્રઝરીની યિલ્ડમાં ઘટાડો થતો રહેશે અને આૈંસદીઠ 2530 ડૉલરની પ્રતિકારક સપાટી વટાવી જશે તો આ સપ્તાહે સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 2550 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય. વધુમાં જો મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધે તો પણ સોનાની તેજીને ઈંધણ મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button