વેપાર

સ્થાનિકમાં શુદ્ધ સોનું ₹ ૫૦૪ની તેજી સાથે ₹ ૭૧,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૭૮૧ ચમકી

વૈશ્ર્વિક સોનામાં વિક્રમ સપાટીએથી સાધારણ પીછેહઠ, ચીને સોનાના નવાં આયાત ક્વૉટા જારી કર્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગત સપ્તાહના અંતે શુક્રવારે ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી રેટ કટ શરૂ થવાના આશાવાદ સાથે હાજરમાં ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૫૦૯.૬૫ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી ભાવમાં પીઠેહઠ જોવા મળી હતી, તેમ જ ચાંદીના ભાવ પણ ઘટી આવ્યાના અહેવાલ હતા. આમ ગત શુક્રવારના વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૨થી ૫૦૪ની તેજી જોવા મળી હતી, જેમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. ૭૧,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં પણ ભાવ કિલોદીઠ રૂ. ૧૭૮૧ના ઉછાળા સાથે રૂ. ૮૩,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૭૮૧ના ઉછાળા સાથે રૂ. ૮૩,૨૯૧ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક બજારના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૨ વધીને રૂ. ૭૦,૮૨૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦૪ વધીને રૂ. ૭૧,૧૦૮ના મથાળે રહ્યા હતા.

વૈશ્ર્વિક સ્તરે ખાસ કરીને ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાતનો આશાવાદ પ્રબળ થવાની સાથે મધ્ય પૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગનો ટેકે મળતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૫૦૯.૬૫ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ વધ્યા મથાળેથી સાધારણ ૦.૪ ટકા ઘટીને ૨૪૯૬.૪૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા ઘટીને ૨૫૩૪.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ૨૦ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. દરમિયાન ચીનની કેન્દ્રવર્તી બૅન્કે સોનાની અપેક્ષિત માગ પહોંચી વળવા માટે ઘણી બૅન્કોને સોનાની આયાત માટેનાં ક્વૉટા ફાળવ્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.

ગત સપ્તાહે અમેરિકામાં રિટેલ વેચાણનાં ડેટા મજબૂત આવવાની સાથે બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજીની સંખ્યામાં પણ બજારની અપેક્ષા કરતાં ઘટાડો થવાથી એક તરફ આર્થિક મંદીની ભીતિ ટળી હતી અને સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કપાતની શક્યતા પણ ઉજળી બની હોવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હતો. વધુમાં મધ્ય પૂર્વનાં દેશોના તણાવને ધ્યાનમાં લેતા સલામતી માટેની માગ અને કેન્દ્રવર્તી બૅન્કોનો સોનામાં લેવાલીનો ટેકો મળતાં તેજીને ઈંધણ મળ્યું હોવાનું કેસીએમ ટ્રેડના વિશ્ર્લેષક ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે હાલ સોનાએ ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવી હોવાથી ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી અપેક્ષિત છે.

ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૭૫.૫ ટકા શક્યતા ટ્રેડરો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા છે. જોકે, હાલ બજારમાં રોકાણકારો અને ટ્રેડરોની નજર આગામી બુધવારે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર તેમ જ સપ્તાહના અંતે શુક્રવારે જેક્શન હૉલ ખાતે ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button