સ્થાનિક સોનું ₹ ૭૫૩ ઉછળીને ₹ ૬૦,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૬૬૭નો ચમકારો

મધ્યપૂર્વના દેશોમાં તણાવ: સલામતી માટેની માગને ટેકે વૈશ્ર્વિક સોનું ત્રણ મહિનાની ટોચે
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના ઈઝરાયલ-હમાસ વચ્ચેનો વિવાદ વધુ વકરે તેવી ભીતિ અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાનો અંત લાવવાની નજીકમાં જ હોવાની શક્યતાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની આક્રમક લેવાલી નીકળતા ભાવ વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીમાં પણ ૦.૪ ટકા જેટલો સુધારો આવ્યો હોવાના નિર્દેશ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫૦થી ૭૫૩ ઉછળીને રૂ. ૬૦,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં સ્ટોકિસ્ટો ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૬૬૭નો ચમકારો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ઊંચા મથાળેથી રૂંધાઈ ગઈ હતી તેમ છતાં દરિયાપારના પ્રોત્સાહક નિર્દેશ સાથે હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫૦ વધીને રૂ. ૬૦,૪૫૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૫૩ વધીને રૂ. ૬૦,૬૯૩ના મથાળે રહ્યા હતા. વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૬૭ના ઉછાળા સાથે રૂ. ૭૧,૯૯૧ના મથાળે રહ્યા હતા. ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૯૮૦.૮૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૬ ટકા વધીને ૧૯૯૨.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, અમુક વિશ્ર્લેષકોનું માનવું છે કે હાલમાં સોનાએ ઔંસદીઠ ૧૯૭૨ ડૉલરની પ્રતિકારક સપાટી કુદાવી દીધી હોવાથી ભાવ વધીને ૧૯૯૮થી ૨૦૧૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.