વેપાર

સ્થાનિક સોનામાં ₹ ૩૪૯નો ઉછાળો ચાંદી ₹ ૨૧૯ વધી

અમેરિકાનાં ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક સોનું સર્વોચ્ચ સપાટીની નજીક

મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ગત જુલાઈ મહિનાના ફુગાવાની થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સોના-ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હતો, જેમાં ખાસ કરીને સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીની નજીક ક્વૉટ થઈ રહ્યા હોવાથી આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૮થી ૩૪૯નો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૧૯ સુધારો આવ્યો હતો.

આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લે-વેચના અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૯ વધીને રૂ. ૮૦,૯૨૧ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં મધ્યસત્ર પશ્ર્ચાત્ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નીકળેલી છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૮ વધીને રૂ. ૭૦,૫૧૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૪૯ વધીને રૂ. ૭૦,૭૯૩ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભમાં અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોના-ચાંદીમાં રોકાણકારોના સાવચેતીનું વલણ જોવા મળ્યા બાદ રોકાણકારોની માગ ખૂલતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઑલ ટાઈમ હાઈ ઔંસદીઠ ૨૪૮૩.૬૦ ડૉલરની સપાટીની નજીક ઔંસદીઠ ૨૪૭૪.૦૪ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૫૧૩.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૭.૯૨ ડૉલર ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

ગઈકાલે અમેરિકાના જુલાઈ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં બજારની અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની હતી.

આજે મોડી સાંજે જાહેર થનારા જુલાઈ મહિનાના ફુગાવામાં માસાનુમાસ ધોરણે ૦.૨ ટકાની વૃદ્ધિ સાથે ફુગાવો ૩.૨ ટકા આસપાસ રહેવાનો બજાર વર્તુળો અંદાજ મૂકી રહ્યા છે. વધુમાં આવતીકાલે (ગુરુવારે) જાહેર થનારા અમેરિકાના રિટેલ વેચાણના ડેટા પર પણ બજારની નજર રહેશે.

આજે જાહેર થનારા ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી તો સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૨૩૦૦ ડૉલર સુધી પહોંચી શકે છે, પરંતુ લાંબાગાળે અમેરિકન અર્થતંત્રમાં વૃદ્ધિ ધીમી પડતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો કરે તેમ હોવાથી સોનામાં તેજીનું વલણ જોવા મળે તેવી શક્યતા કેપિટલ ડૉટ કૉમનાં વિશ્ર્લેષક ક્યેલ રોડ્ડાએ વ્યક્ત કરી હતી.

વધુમાં ગઈકાલે એટલાન્ટ ફેડનાં પ્રમુખ રાફેલ બોસ્ટિકે જણાવ્યું હતું અમે વ્યાજદરમાં ઘટાડા માટે વધુ સકારાત્મક ડેટાની રાહ જોઈ રહ્યા છીએ. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૫૫.૫ ટકા શક્યતા દર્શાવાઈ રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker