વેપાર

સ્થાનિક સોનામાં ₹ ૧૨૨૫નો અને ચાંદીમાં ₹ ૧૧૫૯નો ઉછાળો

વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજ કપાતનો ફેડરલનો ઈરાદો: વૈશ્ર્વિક સોનું વિક્રમ સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષય બેઠકના અંતે ગઈકાલે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ જાળવી રાખ્યા હતા. તેમ જ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ગત ફેબ્રુઆરી મહિનાના ફુગાવામાં વધારો થયો હોવા છતાં એકંદરે અર્થતંત્રમાં મજબૂત વલણ જળવાઈ રહ્યું હોવાથી વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરમાં કપાત અંગેના અમારા નિર્ણયમાં કોઈ ફેર નથી પડ્યો. આમ વ્યાજદરમાં ઘટાડાનો આશાવાદ જળવાઈ રહેતાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૨૨૨.૩૯ ડૉલરની સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા હતા.

વધુમાં આજે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં નરમાઈ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ૧.૧ ટકા અને વાયદામાં ભાવ ૨.૪ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ ૦.૪ ટકાનો ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૨૦થી ૧૨૨૫નો ઉછાળો આવ્યો હતો અને ભાવ રૂ. ૬૬,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સટ્ટાકીય આકર્ષણ વધતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૫૯ના ઉછાળા સાથે રૂ. ૭૫,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.

આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૨૦ વધીને રૂ. ૬૬,૬૪૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૨૫ વધીને રૂ. ૬૬,૯૧૪ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી છૂટીછવાઈ રહી હતી તેમ જ પ્રવર્તમાન હોળાષ્ટકને કારણે રિટેલ સ્તરની માગ પણ નિરસ રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૫૯ની તેજી સાથે રૂ. ૭૫,૦૪૫ના મથાળે રહ્યા હતા.

ગઈકાલે ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત્ રાખવાની સાથે વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં ત્રણ વખત ૨૫ બેસિસ પૉઈન્ટના ઘટાડાની શક્યતા જાળવી રાખતાં ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૨૨૨.૩૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા હતા.

તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૧.૧ ટકા ઉછળીને ઔંસદીઠ ૨૨૦૯.૬૫ ડૉલર અને વાયદામાં ભાવ ૨.૪ ટકા ઉછળીને ઔંસદીઠ ૨૨૧૨.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

જ્યારે ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫.૫૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગત ફેબ્રુઆરી મહિનામાં ફુગાવામાં જોવા મળેલા વધારા છતાં વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં કપાતની શક્યતા જળવી રાખતાં સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું કેપિટલ ડૉટ કૉમનાં ફાઈનાન્સિયલ માર્કેટ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલનાં હળવી નાણાનીતિના સંકેતે સોના-ચાંદીના વાયદામાં વેચાણ કપાવાને કારણે તેજીને પ્રેરક બળ પૂરું પાડ્યું છે.

ફેડરલની બેઠક પશ્ર્ચાત્ ગઈકાલે વ્યાજદરમાં વધારા-ઘટાડાની શક્યતા દર્શાવતા સીએમઈ ગ્રૂપનાં ફેડવૉચ ટૂલ પર હવે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ૭૫ ટકા બજાર વર્તુળો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે અગાઉ ૫૯ ટકા શક્યતા દર્શાવાઈ રહી હતી. જોકે, રૉઈટર્સનાં ટેક્નિકલ એનાલિસ્ટ વૉંગ તાઉના મતે આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૨૨૨ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો ભાવ આ સપાટી વટાવે તો ભાવ વધીને ઔંસદીઠ ૨૨૨૮થી ૨૨૩૪ ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker