સ્થાનિક સોનામાં ₹ ૧૨૪નો અને ચાંદીમાં ₹ ૯૯નો સુધારો
વૈશ્ર્વિક સોનું બે સપ્તાહની નીચી સપાટીએથી પાછું ફર્યું
મુંબઈ: આવતીકાલે મોડી સાંજે અમેરિકાના ગત મે મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે સતત ત્રીજા સત્રમાં રોકાણકારોના સાવચેતીના વલણ છતાં ગઈકાલે ભાવ બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હોવાથી તેમ જ આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટીએથી પાછા ફર્યા હતાં. તેમ જ ચાંદીમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૩થી ૧૨૪નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૯નો સુધારો આવ્યો હતો. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ છતાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૯ વધીને રૂ. ૮૭,૦૪૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ છતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની નિરસ માગે અને આજે ડૉલર સામે રૂપિયામાં ૧૩ પૈસાનો સુધારો આવ્યો હોવાથી ભાવવધારો મર્યાદિત રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૩ વધીને રૂ. ૭૧,૧૦૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૪ વધીને રૂ. ૭૧,૩૯૧ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમને કારણે સત્રના આરંભે ભાવ ગઈકાલના નીચા મથાળે ટકેલા રહ્યા હતા, પરંતુ ત્યાર બાદ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૩૧૪.૨૨ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૨૩૨૪.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૮૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ આઠ સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થયા બાદ પીછેહઠ જોવા મળી હતી. તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ વધારો થવાથી આરંભિક સત્રમાં ભાવ દબાણ હેઠળ રહ્યા બાદ સુધારો જોવા મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે વ્યાજદરમાં કપાત અંગેનો નિર્ણય ફુગાવા પર અવલંબિત હોવાથી હાલમાં રોકાણકારોની નજર આવતી કાલે જાહેર થનારા અમેરિકાના ગત મે મહિનાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે.