વેપાર

સ્થાનિક સોનામાં ₹ ૬૨૯નો અને ચાંદીમાં ₹૧૨૬નો ઉછાળો

મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતાં વૈશ્ર્વિક સોનું ૨૪૦૦ ડૉલરની પાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, મધ્ય પૂર્વનાં દેશોમાં વધેલો તણાવ અને આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ઊછળીને ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨૬થી ૬૨૯નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૬૨૬નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જેમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૮૨,૦૦૦ની અને સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૯,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૬૨૬ વધીને રૂ. ૮૨,૯૭૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨૬ વધીને રૂ. ૬૯,૦૩૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨૯ વધીને રૂ. ૬૯,૩૦૯ના મથાળે રહ્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૪૨૦.૪૧ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા તથા આ મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ચાર ટકાનો વધારો નોંધાયો છે. તેમ જ વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ૨૪૧૮.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૫૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને આજે સમાપન થતી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પશ્ર્ચાત્ત ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકવાના કોઈ સંકેત આપે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સિવાય ઈરાનમાં ઈઝરાયલના હુમલામાં હમાસના નેતા ઈસ્માઈલ હનિયેનું નિધન થતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં સલામતી માટેની માગ વધતાં તેજીને ટેકો મળ્યો હોવાનું એક્ટિવ ટ્રેડનાં વિશ્ર્લેષક રિકાર્ડો ઈવાંગેલિસ્ટાએ જણાવ્યું હતું. વધુમાં આજે ચીનના જુલાઈ મહિનાના ઉત્પાદનના ડેટા સતત ત્રીજા મહિને નબળા આવ્યા હોવાથી બજારમાં ખાસ કરીને ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેવા અંગે શંકા વ્યક્ત થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે અમેરિકી ફેડરલ રિઝર્વ બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા છે, પરંતુ ફુગાવાલક્ષી દબાણ હળવું થવાથી બેઠક પશ્ર્ચાત્ત વ્યાજદરમાં ક્યારથી કાપ મૂકવામાં આવશે તે અંગેના કોઈ સંકેતો આપવામાં આવે છે કે કેમ તેનાં પર રોકાણકારોની નજર સ્થિર થઈ છે. જોકે, સામાન્યપણે વેપારી આલમનું માનવું છે કે આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker