સ્થાનિક સોનામાં ₹ ૨૫૩નો ઉછાળો, ચાંદીમાં ₹ બેનો ઘસરકો
મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની માગ ખૂલતા ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં પણ સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં મક્કમથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫૨થી ૨૫૩ સુધી મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. બેનો સાધારણ ઘસરકો આવ્યો હતો. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ જળવાઈ રહેતાં સત્રના અંતે ભાવ કિલોદીઠ રૂ. બેના સાધારણ ઘસરકા સાથે રૂ. ૭૧,૫૩૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની પાંખી માગ તેમ જ રૂપિયામાં મજબૂત વલણ રહ્યું હોવાથી ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫૨ વધીને રૂ. ૬૨,૨૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૫૩ વધીને રૂ. ૬૨,૫૧૫ના મથાળે રહ્યા હતા. મધ્યપૂર્વના દેશોમાં ખાસ કરીને રાતા સમુદ્રમાં રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાથી રોકાણકારોની સલામતી માટેની માગનો ટેકો મળતાં આજે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ ૫૦ દિવસની દૈનિક સરેરાશ સપાટી કરતાં ઊંચા ક્વૉટ થઈ રહ્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૮.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૨ ટકા વધીને ૨૦૪૨.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં ગઈકાલે અમેરિકા ખાતે જાહેર થયેલા ડિસેમ્બર મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ થઈ હતી, પરંતુ ખાદ્ય ચીજો અને ઈંધણના ભાવમાં ભારે ચંચળતા રહેવાથી ભાવમાં વૃદ્ધિની ગતિ જે વર્ષાનુવર્ષ ધોરણે ચાર ટકા હતી તે ઘટીને ૩.૯ ટકાના સ્તરે રહી હતી. જોકે, હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ પર અને ત્યાર બાદ ૩૦-૩૧ જાન્યુઆરીની અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું.