વેપાર

સ્થાનિક સોનાએ ₹ ૬૬૩ના ઘટાડા સાથે ₹ ૭૨,૦૦૦ની સપાટી ગુમાવી, ચાંદીમાં ₹ ૧૦૭૮નો ઘટાડો

ફેડરલની બેઠક પૂર્વે વૈશ્ર્વિક સોનામાં નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર આવતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી, જેમાં સોનાના ભાવે ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬૦થી ૬૬૩ના ઘટાડા સાથે રૂ. ૭૨,૦૦૦ની સપાટી ગુમાવી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે પણ ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૦૭૮ના ઘટાડા સાથે રૂ. ૮૧,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઘટતી બજારે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦૭૮ ઘટીને રૂ. ૮૦,૦૫૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં પીછેહઠ જળવાઈ રહેતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬૦ ઘટીને રૂ. ૭૧,૪૨૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૬૩ ઘટીને રૂ. ૭૧,૭૧૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો અને માત્ર રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ રહી હતી.

તાજેતરમાં મધ્યપૂર્વનાં દેશોમાં તણાવ હળવો થવાની સાથે વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગ ઓસરી ગઈ છે અને પુન: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ક્યારથી કાપ મૂકવામાં આવશે તેની અવઢવ ઉપરાંત આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે ફેડરલ દ્વારા લાંબા સમયગાળા સુધી તંગ નાણાનીતિ જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૧૨.૧૬ ડૉલર અને વાયદામાં ૧.૫૪ ટકા ઘટીને ૨૩૦૯.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૫૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં અમેરિકા ખાતે ફુગાવામાં થયેલા વધારા અને જીડીપીમાં જોવા મળેલા ઘટાડાને ધ્યાનમાં લેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી તંગ નાણાનીતિ જાળવી રાખે અને આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button