વેપાર

સ્થાનિક સોનામાં ₹ ૧૭૫નો અને ચાંદીમાં ₹ ૨૦૫નો ઘટાડો

ફેડરલ અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે વૈશ્ર્વિક સોનું ૨૫૦૦ ડૉલરની અંદર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં વક્તવ્ય પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સાવચેતીના અભિગમ અને છૂટીછવાઈ નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ હાજરમાં સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની સપાટીની અંદર ઊતરી ગયા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. તેમ છતાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૪થી ૧૭૫ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૦૫ની પીછેહઠ જોવા મળી હતી. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૦૫ના ઘટાડા સાથે રૂ. ૮૪,૬૧૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ સાવચેતીનું વલણ રહેતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૪ ઘટીને રૂ. ૭૧,૧૩૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૭૫ ઘટીને રૂ. ૭૧,૪૨૪ના મથાળે રહ્યા હતા.

આજનાં મોડી સાંજનાં જેક્શન હૉલ ખાતેના અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ તેમના વક્તવ્યમાં વ્યાજદરમાં કપાતની યોજના અંગે કોઈ અણસાર આપે છે કે કેમ તેની અવઢવ વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની સપાટીની અંદર ઊતરી ગયા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૪૯૭.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૬ ટકા વધીને ૨૫૩૨.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં સોનાએ કામચલાઉ ધોરણે ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની સપાટી ગુમાવી છે, પરંતુ ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં બહુમતી ધોરણે નીતિ ઘડવૈયાઓ વ્યાજદરમાં કપાત માટે સહમત હોવાથી આંતરપ્રવાહ તો મજબૂત જ હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત મંગળવારે હાજર સોનાએ ઔંસદીઠ ૨૫૩૧.૬૦ ડૉલરની સર્વોચ્ચ સપાટી દાખવ્યા બાદ ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં બાઉન્સબૅક થવાથી આ સપ્તાહમાં અત્યાર સુધીમાં એક ટકા જેટલો ભાવઘટાડો નોંધાયો છે.

તાજેતરમાં સોનામાં મજબૂત તેજીનું વલણ જોવા મળ્યા બાદ ઔંસદીઠ ૨૪૭૦થી ૨૪૭૫ ડૉલર સુધીનું પૂલબેક જોવા મળે તેમ હોવાથી પુન: રોકાણકારોને તક મળશે, પરંતુ જો રાજકીય-ભૌગોલિક તણાવ વધે તો ભાવ ઔંસદીઠ ૨૫૨૪ ડૉલરની સપાટી સુધી પહોંચી શકે છે અને આ સપાટી વટાવતા ભાવ ૨૫૮૦ ડૉલર સુધી પહોંચે તેમ જણાય છે, એમ કેડિયા કૉમૉડિટીઝના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું.

જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૭૬ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો