સ્થાનિક સોનામાં ₹ ૧૨૭૦નો અને ચાંદીમાં ₹ ૪૫૫૧નો કડાકો
વૈશ્ર્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીએ પીછેહઠે ચાંદીમાં પાંચ ટકા અને સોનામાં બે તૂટ્યા
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવમાં બે ટકા અને ચાંદીના ભાવ ૫.૭૦ ટકા જેટલા તૂટીને ક્વૉટ થઈ રહ્યાના નિર્દેશો સાથે સ્થાનિક સોના-ચાંદી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૭૦થી ૧૨૭૫નોે અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૫૫૧નો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૩૧ પૈસા ગબડીને ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધતા વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહેતા ભાવ કિલોદીઠ રૂ. ૪૫૫૧ના ગાબડા સાથે રૂ. ૭૮,૯૫૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૨૭૦ ઘટીને રૂ. ૬૮,૮૪૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૭૫ ઘટીને રૂ. ૬૯,૧૧૭ના મથાળે રહ્યા હતા. અમેરિકા ખાતે ગત જુલાઈ મહિનામાં બેરોજગારીનો દર અપેક્ષા કરતાં ઊંચી ૪.૩ ટકાની સપાટીએ રહ્યો હોવાના ગત શુક્રવારે અહેવાલ આવ્યા બાદ આર્થિક મંદીની ભીતિ સપાટી પર આવી હતી અને ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે સોનાના ભાવમાં .૭ ટકાનો ઉછાળો આવ્યા બાદ અંતે એક ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.