ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી અને વૈશ્વિક વેપારોમાં તણાવની સ્થિતિ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો 14 પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે રૂપિયો છ પૈસાના ઘટાડા સાથે 88.15ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 88.09ના બંધ સામે સુધારા સાથે 87.98ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.19 અને ઉપરમાં 87.95 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે છ પૈસાના ઘટાડા સાથે 88.15ની સપાટીએ બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 88.38 સુધી નબળો પડ્યા બાદ અંતે સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે ઈદ ઍ મિલાદની જાહેર રજાને કારણે બજાર બંધ રહી હતી.
અમેરિકાએ ભારતથી થતી આયાત સામે લાદેલી ઊંચી ટૅરિફના વિવાદ અને વેપારી તણાવને કારણે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા છે. જોકે, આ ટૅરિફના મુદ્દે સમાધાનના સંકેતો મળી રહ્યા છે, પરંતુ કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ આથી બજારનું વલણ ખરડાયેલું હોવાનું મિરે એસેટ્સ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 87.80થી 88.45 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.17 ટકા ઘટીને 97.29 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.59 ટકા વધીને બેરલદીઠ 66.41 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 314.02 પૉઈન્ટનો અને 95.45 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો, જ્યારે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2170.35 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.