ડૉલર સામે રૂપિયો આઠ પૈસા ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા સાથે વેપાર કરારમાં થઈ રહેલો વિલંબ, આજે જાહેર થયેલો ગત નવેમ્બર મહિનાનો ઔદ્યોગિંક ઉત્પાદનનો આંક અથવા તો પર્ચેઝિંગ મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ નવ મહિનાની નીચી 56.6ની સપાટીએ પહોંચ્યાના અહેવાલ અને વેપાર ખાધમાં થયેલા વધારા જેવા કારણો ઉપરાંત આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 34 પૈસા તૂટીને ઐતિહાસિક નીચી સપાટીએથી પાછો ફરીને સંભવત્ રિઝર્વ બૅન્કનાં હસ્તક્ષેપને ટેકે અંતે આઠ પૈસાના ઘટાડા સાથે 89.53ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 89.45ના બંધ સામે ભાવ ટૂ ભાવ 89.45ના મથાળે ખુલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 89.79 અને ઉપરમાં 89.42ની રેન્જમાં રહ્યા બાદ અંતે આઠ પૈસા ઘટીને 89.53ની સપાટીએ બંધ રહ્યો હતો.
આ પણ વાંચો: વિદેશી હૂંડિયામણની અનામત 4.47 અબજ ડૉલર ઘટી
આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ખાસ કરીને ડૉલરમાં માગ અને પુરવઠા વચ્ચેના અસમતુલનને ધ્યાનમાં લેતા રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં એચડીએફસી સિક્યોરિટીઝનાં સિનિયર રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે નજીકના સમયગાળા માટે ડૉલર સામે હાજર રૂપિયમાં 89.30ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને 89.95ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.17 ટકા વધીને 99.28 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.86 ટકા વધીને બેરલદીઠ 63.55 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 64.77 પૉઈન્ટ અને 27.20 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યા હોવાથી તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3795.72 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



