ડૉલર સામે રૂપિયો વધુ છ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકણકારોની વેચવાલીનું દબાણ ઉપરાંત આજે ખાસ કરીને તેલ આયાત કરતી કંપનીઓની ડૉલરમાં વ્યાપક લેવાલી રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો કોન્સોલિડેટ થઈને ગઈકાલના બંધ સામે છ પૈસાના ઘટાડા સાથે 88.68ના મથાળે બંધ રહ્યો હતો.
જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો તેમ જ ઈક્વિટી માર્કેટ સાધારણ સુધારા સાથે બંધ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
આપણ વાચો: ડૉલર સામે રૂપિયો 12 પૈસા તૂટ્યો
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.62ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 88.66ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.73 અને ઉપરમાં 88.63ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે સાધારણ છ પૈસાના ઘટાડા સાથે 88.68ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 12 પૈસાનું ધોવાણ થયું હતું.
તાજેતરમાં આયાતકારોની ડૉલરમાં જોવા મળતી માગને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નબળાઈ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતા મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે શક્યતઃ વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રૂપિયાને અમુક અંશે ટેકો આપી શકે છે. તેમ છતાં અમારા મતે ડૉલર સામે રૂપિયાની રેન્જ 88.40થી 89 આસપાસની રહે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.
આપણ વાચો: ક્રૂડતેલના ભાવ ઘટતાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઊંચકાયો…
ટ્રમ્પ વહીવટીતંત્રએ 43 દિવસના ગવર્મેન્ટ શટડાઉનનો અંત આણવા માટેનું બિલ પસાર કર્યું હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.29 ટકા ઘટીને 99.20 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.21 ટકા ઘટીને બેરલદીઠ 62.58 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વધુમાં આજે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 12.16 પૉઈન્ટ અને 3.35 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1750.03 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.



