ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા ગબડીને ફરી 90 ની પાર…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત ડિસેમ્બર મહિનામાં દેશનો સિઝનલી એડજસ્ટેડ એચએસબીસી પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ અથવા તો પીએમઆઈ આંક નવેમ્બર મહિનાના 56.6ના આંક સામે ઘટીને 55ની સપાટીએ રહ્યો હોવાના નિરુત્સાહી અહેવાલ અને વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બાવીસ પૈસા ગબડીને ફરી 90ની સપાટી પાર કરીને 90.20ની સપાટીએ બંધ રહ્યો હતો.
ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમા સુધારાતરફી વલણ જોવા મળતાં રૂપિયામાં મોટું ધોવાણ અટક્યું હતું.આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 89.98ના બંધ સામે સાધારણ સુધારા સાથે 89.95ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.25 અને ઉપરમાં 89.92ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 22 પૈસા ગબડીને 90.20ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં 10 પૈસાનો ઘટાડો આવ્યો હતો.
એકંદરે આજે નબળા આર્થિક ડેટા તથા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, ક્રૂડતેલના નબળા ભાવ, ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની ડૉલરમાં વેચવાલી રહેતાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.07 ટકા વધીને 98.38 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3268.60 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો. જોકે, આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.58 ટકા ઘટીને બેરલદીઠ 60.52 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 573.41 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 182 પૉઈન્ટ વધી આવ્યા હોવાથી અમુક અંશે રૂપિયાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



