ડૉલર સામે રૂપિયામાં બેતરફી વધઘટને અંતે વધુ બે પૈસા નરમ | મુંબઈ સમાચાર
વેપાર

ડૉલર સામે રૂપિયામાં બેતરફી વધઘટને અંતે વધુ બે પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ખાસ કરીને અમેરિકાનાં એચવન બી વિઝાની ફીમાં કરવામાં આવેલા તીવ્ર વધારાને કારણે દબાણ જળવાઈ રહ્યું હતું. વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહેવાના અહેવાલ ઉપરાંત આજે બજારમાં નરમાઈ આગળ ધપતાં સત્ર દરમિયાન 13 પૈસાની વધઘટને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસા નબળો પડીને 88.75ની સપાટીએ બંધ રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.73ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 88.80ની સપાટીએ ખૂલ્યા બાદ નીચામાં 88.80 અને ઉપરમાં 88.75ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલની જ ઐતિહાસિક નીચી સપાટીએથી વધુ બે પૈસા તૂટીને 88.75નાં નવાં તળિયે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 45 પૈસાનું ધોવાણ થયું હતું.

આ પણ વાંચો: જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પૂર્વે વૈશ્વિક સોનું 3800 ડૉલરની લગોલગ

એકંદરે અમેરિકાએ એચવન-બી વિઝાની ફીમાં વધારો કર્યો હોવાથી તેની માઠી અસર ખાસ કરીને ભારતીય આઈટી કંપનીઓ અને રેમિટન્સ પર પડે તેમ હોવાથી, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયો દબાણ હેઠળ રહેતો હોવાનું મિરે એસેટ્‌‍ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો તેમ જ રિઝર્વ બૅન્કનો જો બજારમાં હસ્તક્ષેપ થાય તો રૂપિયાને અમુક અંશે ટેકો મળી શકે અને આગામી દિવસોમાં ડૉલર સામે રૂપિયો 88.40થી 89.25 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.36 ટકા વધીને 97.61 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.61 ટકા વધીને બેરલદીઠ 68.04 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 386.47 પૉઈન્ટનો અને 112.60 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3551.19 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button