ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સત્ર દરમિયાન એક તબક્કે 11 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનો અન્ડરટોન રહ્યો હોવાથી સત્રના અંતે ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના સુધારા સાથે 83.14ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 83.15ના બંધ સામે સુધારા સાથે 83.09ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83.16 અને ઉપરમાં 83.04 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે સાધરણ એક પૈસાના સુધારા સાથે 83.14ની સપાટીએ બંધ રહ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગત શુક્રવારના બંધ સામે 1.14 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 77.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આરંભિક સત્રમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળ્યા બાદ આગલા બંધ સામે 0.06 ટકા વધીને 102.18 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 670.93 પૉઈન્ટનો અને 197.80 પૉઈન્ટનો કડાકો બોલાઈ જવાની સાથે ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1696.86 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો મળતાં રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.