વેપાર

ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીને ટેકે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના સુધારા સાથે 83.16ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટે્રડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 83.24ના બંધ સામે સાધારણ સુધારા સાથે 83.23ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83.24 અને ઉપરમાં 83.12ની રેન્જમાં અથડાઈને અંતે આઠ પૈસા વધીને 83.16ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે એશિયન બજારોમાં ડૉલર સામે સારી કામગીરી દાખવવામાં ચીનના ચલણ પછી બીજો ક્રમાંક ભારતીય રૂપિયાનો રહ્યો હતો. ડૉલરનો આંતરપ્રવાહ અને ક્રૂડતેલના ભાવમાં સ્થિરતા રહેતાં સતત બે સપ્તાહ સુધી ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલા ઘટાડાને બ્રેક લાગી હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવતા ઉમેર્યું હતું કે આજે જાહેર થયેલો ગત ડિસેમ્બર મહિનાનો સર્વિસીસ પીએમઆઈ આંક જે નવેમ્બર મહિનામાં 56.9ના સ્તરે હતો તે વધીને 59ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલે પણ રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.25 ટકા ઘટીને 102.68 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 178.58 પૉઈન્ટનો અને 52.20 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1513.41 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો આગળ ધપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button