(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : ધનતેરસના દિવસે અફડાતફડીમાંથી પસાર થવા છતાં ખાસ કરીને સત્રના પાછલા ભાગમાં નીકળેલી લેવાલીના ટેકાએ બેન્ચમાર્કને ઊંચી સપાટીએ મોકલ્યો હતો અને માર્કેટ કેપમાં ઉમેરો કરીને ધનવર્ષા ચાલુ રાખી હતી. વિશ્ર્વબજારના સુધારાની પણ સેન્ટિમેન્ટને સકારાત્મક અસર થઇ હતી.
બેન્ક, રિયલ્ટી અને નાણાકીય શેરોની આગેવાની હેઠળ શેરબજારે સતત બીજા સત્રમાં સુધારો જારી રાખ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૩૬૩.૯૯ પોઈન્ટ અથવા ૦.૪૫ ટકા વધીને ૮૦,૩૬૯.૦૩ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૧૨૭.૭૦ પોઈન્ટ અથવા ૦.૫૨ ટકા વધીને ૨૪,૪૬૬.૮૦ પોઇન્ટના સ્તરે સ્થિર થયો હતો.
સ્ટેટ બેન્ક પાંચ ટકા ઊછળ્યો હતો, ત્યારબાદ સેન્સેક્સના સૌથી વધુ વધનારા શેરોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, બજાજ ફિનસર્વ, એનટીપીસી, અદાણી પોર્ટ, બજાજ ફાઇનાન્સ, અને લાર્સન એન્ડ ટૂબ્રોના નામ હતા. જ્યારે મારુતી સુઝુકી, ટાટા મોટર્સ, સન ફાર્મા, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ લૂઝરની યાદીમાં હતા.
મારુતિ સુઝુકીનો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૧૮ ટકા ઘટીને રૂ. ૩,૧૦૨ કરોડ અને આવક ૩૭,૪૪૯ કરોડ નોંધાઇ હતી. ફેડરલ બેન્કનો નફો ૧૧ ટકા વધ્યો હોવાના અહેવાલ વચ્ચે તેનો શેર આઠ ટકા વધ્યો હતો. એલજી ઇલેક્ટો્રોનિકનો નફો ૧૨.૩ ટકા અને રેવેન્યુ ૭.૫ ટકા વધી હતી. કેનેરા બેન્કનો નફો ૧૧ ટકા વધ્યો હતો. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે લોઢા ગ્રુપના માલિક અભિશેક લોઢાએ મેક્રોટેક ડેવલપર્સમાંની તેમની શેરહોલ્ડિંગનો મોટો હિસ્સો લોઢા ફિલેન્થ્રોપી ફાઉન્ડેશનને ટ્રાન્સફર કર્યો છે, જેની પાસે રૂ. ૨૦,૦૦૦ કરોડનું પ્રારંભિક ભંડોળ હશે.
પાવર અને ટ્રાન્ફોર્મર ક્ષેત્રની સુપ્રીમ પાવર ઇક્વિપમેન્ટ લિમિટેડ નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૧૧.૪૫ ટકાની વૃદ્ધિ સાથે ૫૮.૬૧ કરોડની કુલ આવક, ૧૫.૭૮ ટકાની વૃદ્ધિ સાથે ૧૨.૦૩ કરોડનું એબિટા અને ૧૦.૬૨ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૭.૨૯ કરોડનો ચોખ્ખો નફો
નોંધાવ્યો છે.
મિશ્ર વૈશ્ર્વિક સંકેતો વચ્ચે બજાર સપાટ મથાળે ખુલ્યું હતું, પરંતુ સત્રના પૂર્વાર્ધમાં બજાર નકારાત્મક ઝોનમાં ધકેલાઇ ગયું હતું. જોકે, મધ્યસત્રની રિકવરીથી બેન્ચમાર્કને દિવસના ઉચ્ચ સ્તરની નજીક બંધ થવામાં મદદ મળી હતી. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ શેરઆંક ૦.૭ ટકા વધ્યા છે.
સેક્ટોરલ મોરચે બેંક, રિયલ્ટી, પાવર, કેપિટલ ગુડ્સ ૧-૨ ટકા જ્યારે ફાર્મા, આઈટી અને ઓટો ૦.૫-૧ ટકા ડાઉન હતા.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે સ્ટેટ બેન્ક૫.૧૩ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૦૮ ટકા, બજાજ ફિનસર્વ ૨.૧૮ ટકા, એનટીપીસી ૨.૧૧ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૬૧ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૫૨ ટકા, એક્સિસ બેન્ક૧.૩૧ ટકા, લાર્સન ૧.૨૨ ટકા, એચડીએફસી બેન્ક ૦.૯૬ ટકા, પાવર ગ્રીડ ૦.૮૨ ટકા અને આઈટીસી ૦.૮૦ ટકા વધ્યા હતા, જ્યારે મારુતિ ૪.૧૧ ટકા, તાતા મોટર્સ ૪.૦૬ ટકા, સન ફાર્મા ૧.૬૭ ટકા, ભારતી એરટેલ ૧.૬૧ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૫૩ ટકા, ઈન્ફોસિસ ૧.૪૭ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૩૬ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૨૪ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧.૦૧ ટકા અને ટીસીએસ ૦.૩૯ ટકા ઘટ્યા હતા.
નિફટીના શેરોમાં એસબીઆઈ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ બેંક નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે ટાટા મોટર્સ, ડો રેડ્ડીઝ લેબ્સ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ અને બજાજ ઓટોનો સમાવેશ થાય છે.
એમી ઓર્ગેનિક્સ, અનુપ એન્જિનિયરિંગ, કેર રેટિંગ્સ, કારટ્રેડ ટેક, સિટી યુનિયન બેંક, દીપક ફર્ટિલિયર્સ, જિલેટ ઈન્ડિયા, ઈન્ડિગો પેઈન્ટ્સ, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ, ખઈડ ઈન્ડિયા, પિરામલ ફાર્મા, શારદા ક્રોપ, એસજેએસ એન્ટરપ્રાઈઝીસ, થાઈરોકેર ટેક્નોલોજીસ, વોકહાર્ટ વગેરે સહિત ૧૩૦થી વધુ શેરોએ એનએસઇ પર તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો.
બજારના સાધનો અનુસાર ભારતીય શેરબજારોમાં આજના સત્ર દરમિયાન નેગેટિવ ઝોનમાંથી પોઝિટિવ ઝોનમાં ઝંપલાવ્યું હતું. નિફ્ટી૫૦ એ દિવસની શરૂઆત નરમ ટોન સાથે કરી હતી અને મિડ અને સ્મોલકેપ કાઉન્ટર્સમાં નબળાઈએ ઈન્ડેક્સ પર નીચી ગતિ તરફ જવા વધુ દબાણ કર્યું હતું. જોકે, ટ્રેડિંગ સેશનના બીજા ભાગમાં, સમગ્ર બોર્ડમાં ટર્નઅરાઉન્ડ જોવા મળ્યો હતો જમાં બજારે સંપૂર્ણ ઘટાડો પચાવીને બેન્ચમાર્ક ઈન્ડેક્સને ટેકો આપ્યો હતો. સેક્ટર મુજબની કામગીરી જોઇએ તો બેન્કિંગ ઇન્ડેક્સ ટોચના ગેઇનર્સ હતા, ત્યારબાદ રિયલ્ટી જ્યારે ઓટો અને ફાર્માએ સૌથી વધુ સુધારો કર્યો હતો. મિડ અને સ્મોલ કેપ્સે ફ્રન્ટલાઈન ઈન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેન્કેક્સ સૌથી અધિક વધ્યો હતો અને ઓટો સૌથી અધિક ઘટ્યો હતો. માર્કેટ કેપમાં રૂ. ૬.૩૪ લાખ કરોનું ગાબડું નોંધાયું હતું. મંગળવારે બીએસઈ સેન્સેક્સ ગત સોમવારના ૮૦,૦૦૫.૦૪ના બંધથી ૩૬૩.૯૯ પોઈન્ટ્સ (૦.૪૫ ટકા) વધ્યો હતો.
માર્કેટ કેપ રૂ.૬.૩૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૩૪.૮૬ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૮૦,૦૩૭.૨૦ ખૂલીને ઊંચામાં ૮૦,૪૫૦.૪૮ સુધી અને નીચામાં ૭૯,૪૨૧.૩૫ સુધી જઈને અંતે ૮૦,૩૬૯.૦૩ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો.સેન્સેક્સની ૧૬ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૪ સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં ૩,૯૯૧ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૨૪૨ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૬૨૩ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૨૬ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૩૨ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૭૮ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૭૪ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૭૧ ટકા વધ્યા હતા. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૯ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૮૩ ટકા વધ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ બેન્કેક્સ ૨.૨ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૨ ટકા, , રિયલ્ટી ૧.૪૬ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૨૮ ટકા, યુટિલિટીઝ ૧.૨૬ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૧૯ ટકા, પાવર ૧.૦૮ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૯૫ ટકા, સર્વિસીસ ૦.૮૫ ટકા, કોમોડિટીઝ ૦.૫૩ ટકા, મેટલ ૦.૪૫ ટકા, એનર્જી ૦.૩૯ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૧૮ ટકા અને એફએમસીજી ૦.૦૯ ટકા વધ્યા હતા, જ્યારે ઓટો ૧.૫૨ ટકા, ટેક ૦.૮૧ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૭૪ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૫ ટકા, હેલ્થકેર ૦.૪૭ ટકા અને કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૩ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૭૮.૫૦ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૫૩૬ સોદામાં ૯૬૯ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૪,૧૨,૩૭૨ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૫,૯૬,૪૦૫.૪૨ કરોડનું રહ્યું હતું.