વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળથી સુધારો છતાં સ્થાનિકમાં રૂ. 13નો ઘસરકો, ચાંદી રૂ. 1135 તૂટી | મુંબઈ સમાચાર

વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળથી સુધારો છતાં સ્થાનિકમાં રૂ. 13નો ઘસરકો, ચાંદી રૂ. 1135 તૂટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સલામતી માટેની માગ ઓસરતા સોનાના ભાવ 17 જુલાઈ પછીની નીચી સપાટી સુધી તૂટ્યા હતા. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ નોંધાતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં ઘટ્યા મથાળેથી 0.2 ટકાનો અને ચાંદીના ભાવમાં 0.4 ટકાનો સાધારણ સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા ખાસ કરીને ચાંદીમાં કિલોદીઠ રૂ. 1135નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 13નો સાધારણ ઘસરકો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં વેરારહિત ભાવ કિલોદીઠ રૂ. 1135ના ઘટાડા સાથે રૂ. 1,13,207ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ગત શુક્રવારના વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતાં વેરારહિત ભાવ 10 ગ્રામદીઠ રૂ. 13ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 97,981 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 98,375ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સના નરમાઈના અન્ટરટોન સાથે સોનાના હાજર અને વાયદામાં ભાવ આગલા ઘટ્યા મથાળેથી 0.2 ટકાના સુધારા સાથે અનુક્રમે 3342.73 ડૉલર અને 3342.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.4 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 38.28 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગઈકાલે રવિવારે અમેરિકાએ યુરોપિયન યુનિયન સાથે નિર્ધારિત કરેલા વેપાર કરાર અંતર્ગત અમેરિકા યુરોપિયન યુનિયનથી થતી આયાત સામે અગાઉ આપેલી 30 ટકાની ટૅરિફની ધમકીની સરખામણીમાં 15 ટકા ટેરિફ લાદશે. આમ અમેરિકાના વૈશ્વિક વેપાર માટે ત્રીજા કરાર થયા હતા. જોકે, હજુ સ્પિરિટ સહિતની અન્ય મુખ્ય ચીજો પરની ટૅરિફના મુદ્દાઓનો ઉકેલ બાકી છે. આમ એકંદરે આ કરાર સાથે વેપારી તણાવ હળવો થવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્લેષક જિગર ત્રિવેદીએ જણાવતા ઉમેર્યું હતું કે આજે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈ જોવા મળતાં સોનાને અમુક અંશે ટેકો મળ્યો છે.

આપણ વાંચો:  સેન્ટ્રલ બેન્કો પર નજર સાથે સોનું અથડાયેલું રહેશે

વધુમાં અમેરિકા અને ચીનનાં વાટાઘાટકર્તાઓ આજે મળનાર છે. જેમાં લાંબા સમયથી વણઉકેલાયા આર્થિક મુદાઓના ઉકેલની અને ઊંચા ટૅરિફ દરના અમલની મુદત વધારવા અંગે ચર્ચા થવાની શક્યતા જણાય છે. આમ એકંદરે હાલની વૈશ્વિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા સોનામાં મોટો ઉછાળો આવે તેવી શક્યતા નકારતા ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાલ તો બજારની નજર આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, આ બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર 4.25થી 4.50 ટકાની સપાટીએ છે તે યથાવત્‌‍ રાખે તેવી શક્યતા હોવા છતાં બજારની નજર બેઠક પશ્ચાત્‌‍ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગે કોઈ સંકેત આપે છે કે નહીં તેના પર મંડાયેલી રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button