વેપાર

સોનામાં ₹ ૩૧નો અને ચાંદીમાં ₹ ૨૬૦નો ઘસરકો

અમેરિકાના પ્રોત્સાહક જોબ ડેટાથી ઓછી માત્રામાં વ્યાજદર કપાતની શક્યતા

મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હતા અને બેરોજગગારીનો દર પણ ૪.૧ ટકા આસપાસની સપાટીએ રહેતાં અમેરિકામાં આર્થિક મંદીની ભીતિ હળવી થવાની સાથે સાથે ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં મોટી કપાત મૂકે તેવી શક્યતા ધૂંધળી બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યા બાદ ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવને પગલે સલામતી માટેની માગ નીકળતાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ધીમો ઘટાડો આવ્યાના અહેવાલ હતા. રહ્યું હતું. આમ વૈશ્ર્વિક બેતરફી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧નોનો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૬૦નો ઘસરકો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૬૦ના ઘટાડા સાથે રૂ. ૯૨,૦૦૦ની સપાટીની અંદર ઉતરીને રૂ. ૯૧,૯૪૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે મધ્યસત્ર દરમિયાન ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૭થી ૩૭૮નો ઘટાડો આવ્યા બાદ સત્રના અંતે ભાવ રૂ. ૩૧ના સાધારણ ઘટાડા સાથે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૭૫,૬૨૯ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૫,૯૩૩ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવતા ફેડરલ રિઝર્વ તેની આગામી ૬-૭ નવેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ઓછી માત્રામાં અર્થાત્ ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવઘટાડો આગળ ધપ્યો હતો. જોકે, ત્યાર બાદ મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૬૫૮.૦૭ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૨૬૭૭.૯૦ ડૉલર તથા હાજરમાં ચાંદીના ભાવ ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગઈકાલે ઈઝરાયલ દ્વારા લેબેનોન અને ગાઝા પટ્ટી પર સતત બોમ્બાર્ડિંગ ચાલુ રહ્યું હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગનો ટેકો જળવાઈ રહેતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ, અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા અને ફેડરલના અધિકારીઓના સપ્તાહ દરમિયાનના વક્તવ્ય પર સ્થિર થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button