મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધતાં સોનામાં સલામતી માટેની માગ વધવાની શક્યતા

સોનામાં ₹ ૧૪૮ની નરમાઈ, ચાંદીમાં ₹ ૩૬૯ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવમાં થયેલા વધારા અને ફેડરલ દ્વારા રેટ કટનો આશાવાદ સપાટી પર આવ્યો હોવા છતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીનો પર્યાપ્ત ટેકો ન મળતાં હાજર ભાવમાં સાધારણ નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીનો ટેકો મળતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૬૯ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૭થી ૧૪૮નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૬૯નાં સુધારા સાથે રૂ. ૮૧,૬૬૧ની સપાટીએ રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૭ ઘટીને રૂ. ૭૧,૩૮૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૪૮ ઘટીને રૂ. ૭૧,૬૬૮ના મથાળે રહ્યા હતા. જોકે, આગામી ૧૦મી મેના રોજ અખાત્રીજનાં સપરમાં દહાડે સોનામાં માગ ખૂલે તેવો આશાવાદ જ્વેલરો રાખી રહ્યા છે.
ગઈકાલે ઈઝરાયલે દક્ષિણ ગાઝામાં શ્રેણીબદ્ધ હુમલાઓ કર્યા હોવાથી હાલમાં હમાસ સાથે શરૂ થયેલી શાંતિ મંત્રણા ખોરંભે ચડે તેવી ભીતિ અને ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ હેઠળ સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની માગ છૂટીછવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૧૫.૩૮ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧૨ ટકા વધીને ૨૩૨૪.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૭૦ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭.૨૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ઈઝરાયલના હુમલાઓને પગલે મધ્યપૂર્વનાં દેશોમાં તણાવ વધવાની શક્યતા પ્રબળ થઈ છે અને શાંતિની શક્યતાઓ ઘટી હોવાથી સલામતી માટેની માગને ટેકે સોનાના ભાવ વધીને ફરી ઔંસદીઠ ૨૩૦૦ ડૉલરની સપાટી પાર કરી જાય તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં ગઈકાલે ફેડરલ ઓપન માર્કેટ કમિટીના સભ્ય થોમસ બાર્કિન અને જ્હોન વિલિયમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હજુ ફેડરલ રિઝર્વ આ વર્ષમાં વ્યાજદરમાં કાપ મૂકવાની યોજના ધરાવે છે, પરંતુ સાથે સાથે ફુગાવામાં ઘટાડાની પણ અપેક્ષા રાખી રહી છે.