ખાંડમાં માગને ટેકે ભાવમાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે હાજરમાં ગઈકાલની અનંત ચતુર્દશીની રજા પશ્ર્ચાત રિટેલ સ્તરની લેવાલી છૂટી રહી હોવાથી તેમ જ નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ જોવા મળ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૩૪થી ૩૫ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૩૨થી ૩૩ ટ્રકનો રહ્યો હતો અને હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૧૨થી ૩૭૮૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૦૨થી ૩૯૫૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૫૫થી ૩૬૭૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૩૫થી ૩૭૭૫માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.