કોપર અને નિકલમાં ઘટ્યા મથાળેથી માગને ટેકે સુધારો
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપર, નિકલ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૪ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે ટીનમાં સતત બે સત્રના સુધારા બાદ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૦નો અને બ્રાસ શીટ કટિંગ્સમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. ત્રણનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે ખાસ કરીને ચીનની આર્થિક મંદીની ચિંતાને કારણે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જેમાં કોપરનાં એક મહિને ડિલિવરી શરતે ભાવ આગલા બંધ સામે ૦.૬ ટકા ઘટીને ટનદીઠ ૯૩૨૬.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
જોકે, સ્થાનિક જથ્થાબંધ બજાર ગઈકાલે અનંત ચતુર્દશીને કારણે સત્તાવાર ધોરણે બંધ રહ્યું હોવાથી આજે એકંદરે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહેતા ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.