વિદેશી હૂંડિયામણની અનામતમાં ૮૬.૭ કરોડ ડૉલરનો ઘટાડો
મુંબઈ: ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે દેશની વિદેશી હૂંડિયામણની અનામત ૮૬.૭ કરોડ ડૉલર ઘટીને ૫૯૩.૦૩૭ અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત ૪.૯૯ અબજ ડૉલરના ઘટાડા સાથે ૫૯૩.૯૦ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ઑક્ટોબર, ૨૦૨૧માં દેશની કુલ અનામત વધીને ૬૪૫ અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી હતી. જોકે, ત્યાર બાદ વૈશ્ર્વિક પરિબળોને ધ્યાનમાં લેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણને ખાળવા માટે રિઝર્વ બૅન્ક દ્વારા હાજર બજારમાં ડૉલરમાં વેચવાલી રહેતાં ક્રમશ: અનામતમાં ઘટાડો થતો રહ્યો હતો.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં સૌથી મોટો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યાતમતો ૫૧.૧ કરોડ ડૉલર ઘટીને ૫૨૫.૯૧૫ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર સિવાયના યુરો, પાઉન્ડ અને યેન જેવાં ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત ૩૮.૪ કરોડ ડૉલર ઘટીને ૪૪ અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત ૪૦ લાખ ડૉલર ઘટીને ૫.૦૩ અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે ઈન્ટરનેશનલ મૉનૅટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ૩.૨ કરોડ ડૉલર વધીને ૧૮.૦૯૨ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.