ધાતુમાં નિરસ વેપારે આગળ ધપતો ભાવઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે ગઈકાલે કોપર સહિતની વિવિધ ધાતુઓના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હોવાના અહેવાલો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે સપ્તાહના અંતે ખાસ કરીને કોપરની વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને ટીનમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને વધુ ઘટાડાના આશાવાદે વપરાશકાર ઉદ્યોગની લેવાલી પણ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી સાત સુધીની પીછેહઠ જોવા મળી હતી, જ્યારે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં ભાવમાં કિલોદીઠ રૂ. એકનો સાધારણ સુધારો આવ્યો હતો અને નન્ય ધાતુઓમાં ટકેલું વલણ જોવા મળ્યું હતું.
દરમિયાન ગઈકાલે ચીનની નેશનલ પીપલ્સ કૉંગ્રેસ ફાઈનાન્સિયલ ઍન્ડ ઈકોનોમિક કમિટીએ આર્થિક વિકાસ માટે આગામી ત્રણ વર્ષ માટે છ ટ્રિલિયન યુઆન અથવા તો ૮૩૯ અબજ ડૉલરના પેકેજને મંજૂરી આપી હતી. તેમ જ આ પેકેજ રાજ્ય સ્તરે ફાળવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, આ પેકેજની જાહેરાત પશ્ર્ચાત્ આગામી સોમવારે બજાર પર તેની કેવી અસર પડે છે તે જોવું રહ્યું.
દરમિયાન ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ આગલા બંધ સામે ૨.૫ ટકા ઘટીને ટનદીઠ ૯૪૪૧ ડૉલર આસપાસ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં આજે સપ્તાહના અંતે કોપર સહિતની ધાતુઓમાં પીછેહઠ જોવા મળી હતી. જેમાં ખાસ કરીને કોપર વાયરબાર, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. સાત ઘટીને રૂ. ૮૪૯, રૂ. પાંચ ઘટીને રૂ. ૨૪૬ અને રૂ. ત્રણ ઘટીને રૂ. ૨૮૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે નિરસ માગે કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૮૧૦, રૂ. ૭૯૦ અને રૂ. ૭૪૩ તથા કોપર સ્ક્રેપ હેવી અને ટીનના ભાવ સાધારણ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૮૦૧ અને રૂ. ૨૭૪૯ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૧૮૬ના મથાળે રહ્યા હતા.