કસ્ટમ ડ્યૂટીના તાર્કિકરણથી નિકાસ પ્રોત્સાહિત થશેઃ નિષ્ણાતો

નવી દિલ્હીઃ આજે જાહેર કરવામાં આવેલા અંદાજપત્રમાં કસ્ટમ ડ્યૂટીના તાર્કિકરણનાં પ્રસ્તાવોથી નિકાસ અને ઉત્પાદન પ્રોત્સાહિત થવાનો આશાવાદ નિકાસકારો અને નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.
આગામી નાણાકીય વર્ષ 2026-27ના અંદાજપત્રમાં મુખ્યત્વે વ્યૂહાત્મક ઉત્પાદન, ક્લિન એનર્જી, સંરક્ષણ, સ્વાસ્થ્ય અને નિકાસલક્ષી ઉત્પાદનો માટેનાં ઉત્પાદનખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જ્યારે અમુક ગ્રાહકલક્ષી ઉત્પાદનોની સલામતી માટે ચોક્કસ ચીજો પરના ટૅરિફમાં વધારો કરવામાં આવ્યો છે.
બજેટમાં ખાસ કરીને મૂડીગત્ માલ અને વ્યૂહાત્મક ઈનપૂટ્સ પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી દૂર કરવામાં આવી છે, જ્યારે દરિયાઈ ખાદ્યના પ્રોસેસિંગના ઉપયોગમાં આવતા ઈનપૂટ્સ પરની ડ્યૂટીમુક્ત આયાત મર્યાદા જે નિકાસ મૂલ્યના એક ટકા જેટલી હતી તે વધારીને ત્રણ ટકા કરવામાં આવી છે.
આપણ વાચો: સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઉછાળો આવતા સ્થાનિકમાં કસ્ટમ ડ્યૂટીનો ઘટાડો આંશિક ધોવાયો
એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એ શક્તિવેલે જણાવ્યું હતું કે આ અંદાજપત્ર ભારતીય ટેક્સ્ટાઈલ અને એપરલ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેની રૂપરેખા આપવાની સાથે સાથે આત્મનિર્ભરતા, વૃદ્ધિમાં સાતત્યતા, રોજગાર સર્જન અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
વધુમાં કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટનાં ચેરમેન આર કે જૂનેજાએ જણાવ્યું હતું કે નિકાસકારો દ્વારા આયાત કરવામાં આવતા ટેગ્સ, લેબલ્સ, સ્ટીકર્સ, બેલ્ટ વગેરે પરની કસ્ટમ ડ્યૂટી માફીની મર્યાદા 31મી માર્ચ, 2028 સુધી લંબાવવામાં આવી તે આવકાર્ય પગલું છે.



