ટીપ્લસઝીરો: રોકાણકારો માટે નવો વિકલ્પ, આજે રોકડા ને ઉધાર કાલે
નવી સેટલમેન્ટ સાઇકલ રિટેલ રોકાણકારોને ફાયદાકારક રહેવાની શક્યતા, પરંતુ અમલની કાર્યક્ષમતા જોવી રહી!
કરંટ ટોપિક – નિલેશ વાઘેલા
મુંબઇ: ભારતીય શેરબજારમાં ટીપ્લસઝીરો સેટલમેન્ટ સિસ્ટમનું બીટા વર્ઝન પાછલા સપ્તાહે પ્રાયોગિક લોન્ચ થઇ ગયું છે અને તેમાં તબક્કવાર ધોરણે નવી સ્ક્રીપ્સનો ઉમેરો થતો રહેશે. સરળ શબ્દોમાં કહી શકાય કે ટીપ્લસઝીરો, રોકાણકારો માટે એક એવો નવો વિકલ્પ ઓફર કરે છે જેમાં આજે રોકડાને ઉધાર કાલે જેવો નિયમ લાગુ થાય છે. શેરબજાર નિયામક સેબીએ માર્ચ મહિનાની શરૂઆતમાં ઓપ્શનલ ટીપ્લસઝીરો સેટલમેન્ટ સિસ્ટમ શરૂ કરવાની ઘોષણા કરી હતી.
ટીપ્લસઝીરો સિસ્ટમ હેઠળ જે દિવસે સોદો થાય, તે જ દિવસે શેરની પતાવટ કરવામાં આવશે. આ રીતે ટીપ્લસઝીરો સિસ્ટમ રિટેલ રોકાણકારોને તાત્કાલિક લિક્વિડિટીની સવલત પૂરી પાડશે. આ પતાવટ ચક્રનો ઉદ્દેશ સોદાની પતાવટ ચક્રને ઝડપી બનાવવાનો છે.
નામ સૂચવે છે તેમ, ટીપ્લસઝીરો સિસ્ટમ હેઠળ, શેરો સાથે સંકળાયેલા સોદાઓ જે દિવસે થાય છે તે જ દિવસે પતાવટ કરવામાં આવશે, શેર ખરીદનારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને વેપારના દિવસે વેચનારના ખાતામાં જમા કરવામાં આવશે. ઉદાહરણ તરીકે દોઢ વાગ્યા પહેલા વેચેલા શેરના પૈસા ૪.૩૦ વાગે ખાતામાં જમા થશે. નોંધનીય છે કે ટૂંકા પતાવટ ચક્રનું નબીટાથ સંસ્કરણ પાઇલોટ પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવશે, જે એક્સચેન્જોને રોકડ બજારમાં વર્તમાન ટીપ્લસવન ચક્રની સાથે વૈકલ્પિક ધોરણે સિસ્ટમ ઓફર કરવાની મંજૂરી આપશે. આમાં બંને પતાવટ ચક્રના સહઅસ્તિત્વનો સમાવેશ થશે, જેમાં માત્ર ૨૫ શેરો માટે સમાન-દિવસની પતાવટ ઉપલબ્ધ છે અને મર્યાદિત બ્રોકરોને આ સેવા ઓફર કરવાની મંજૂરી છે. વધુમાં, ટીપ્લસઝીરો સ્ટોક્સ માટે ટ્રેડિંગ સત્રો સવારે ૯:૧૫ થી બપોરે ૧:૩૦ સુધી પ્રતિબંધિત રહેશે.
વર્તમાન ટીપ્લસવન સિસ્ટમ હેઠળ વેચાણકર્તાઓને વેચાણના દિવસે તેમની માત્ર ૮૦ ટકા રોકડ પ્રાપ્ત થઈ શકે છે, બાકીના ૨૦ ટકા બીજા દિવસ સુધી રોકી રાખવામાં આવે છે. જોકે, નવી ટીપ્લસઝીરો સેટલમેન્ટ સિસ્ટમની રજૂઆત સાથે વેચાણકર્તાઓને ટ્રાન્ઝેક્શનના દિવસે તેમની ૧૦૦ ટકા રોકડની તાત્કાલિક ઍક્સેસ હશે. ટીપ્લસઝીરો સેટલમેન્ટ સાયકલના બે તબક્કા હશે.
પહેલા તબક્કામાં, ૧:૩૦ વાગ્યા સુધી અમલમાં મૂકાયેલા સોદાને સેટલમેન્ટ માટે ધ્યાનમાં લેવામાં આવશે, જે ૪:૩૦ વાગ્યા સુધીમાં પૂર્ણ થવું આવશ્યક છે. ત્યારબાદ, બીજા તબક્કાનું ટ્રેડિંગ બપોરે ૧:૩૦ વાગ્યે શરૂ થશે અને ૩:૩૦ વાગ્યે સમાપ્ત થશે, જેમાં પ્રથમ તબક્કાની કામગીરી બંધ કરવામાં આવશે.
સ્ટોક એક્સચેન્જો પ્રથમ ૨૫ શેરો અને બ્રોકર્સના પસંદગીના જૂથ માટે ટ્રેડિંગ ચક્ર શરૂ કરશે. બજાર નિયમનકાર સેબી ત્રણ અને છ મહિનાના સમયગાળા બાદ સમીક્ષા કર્યા બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
એનએસઇ પર ટીપ્લસઝીરો સેટલમેન્ટમાં પંસદ કરવામાં આવેલા શેરોની યાદીમાં સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ), એમઆરએફ, હિન્દાલ્કો અને વેદાંત જેવા ૨૫ પાત્ર શેરોનો સમાવેશ છે. વધુમાં અંબુજા સિમેન્ટ્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેન્ક ઓફ બરોડા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ), બિરલાસોફ્ટ, સિપ્લા, કોફોર્જ, ડિવીઝ લેબોરેટરીઝ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટેલ્સ કંપની લિ., જેએસડબલ્યુ સ્ટીલ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, એલટીઆઈએમડી, સંવર્ધન. મધરસન ઈન્ટરનેશનલ, નેસ્લે ઈન્ડિયા, એનએમડીસી, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી), પેટ્રોનેટ એલએનજી, ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને વેદાંતનો સમાવેશ છે.
એ જ રીતે, બીએસઇ ટીપ્લસઝીરો સેટલમેન્ટ હેઠળ, અંબુજા સિમેન્ટ્સ, બજાજ ઑટો, બીપીસીએલ, સિપ્લા, એસબીઆઇ અને વેદાંત સહિત ૨૫ શેરો ક્વોલિફાય થયા છે. અન્ય પાત્ર શેરોમાં એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ડિયન હોટેલ્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેન્ક ઓફ બરોડા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, બિરલાસોફ્ટ, સિપ્લા, કોફોર્જ, ડિવીઝ લેબોરેટરીઝ, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ, એલટીઆઇમાઇન્ડટ્રી, એમઆરએફ, નેસ્લે ઇન્ડિયા, એનએમડીસી, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, પેટ્રોનેટ એલએનજી, સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, અને વેદાંતનો સમાવેશ છે.
આ નવી સિસ્ટમના અમલીકરણનો હેતુ બજારની અંદર ગતિશીલતા વધારવાનો છે. વેચાણના એ જ દિવસે ભંડોળ પૂરું પાડવાથી, તે પ્રવાહિતાને વેગ આપવા માટે અપેક્ષિત છે, જે વેપારીઓને રોકડનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે. બજારના નિષ્ણાતોના મતે, ટીપ્લસઝીરો સેટલમેન્ટ સાઇકલ રિટેલ રોકાણકારોને ફાયદો કરાવે તેવી શક્યતા છે. પરંતુ અમલની કાર્યક્ષમતા જોવાનું બાકી છે. તેઓ માને છે કે ટીપ્લસઝીરો પતાવટ પ્રણાલીની રજૂઆતથી તત્કાલ પ્રવાહિતાની શોધ કરતા વેપારીઓ અને રોકાણકારોને નોંધપાત્ર લાભ મળશે, તેઓને ભંડોળનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં અને ખાસ કરીને અત્યંત અસ્થિર સત્રો દરમિયાન બજારની વધઘટનો તાત્કાલિક પ્રતિસાદ આપવા સક્ષમ બનાવશે.
સેબી ભારતીય શેરબજારમાં ટ્રેડ સેટલમેન્ટની સાઇકલના દિવસ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. હાલ ભારતીય શેરબજારમાં ટીપ્લસવન સેટલમેન્ટ સિસ્ટમ અમલમાં છે, એટલે કે શેર વેચ્યાના એક દિવસ બાદ તેનું પેમેન્ટ શેર વેચનારના એકાઉન્ટમાં જમા થાય છે. તેવી જ રીતે શેર ખરીદ્યાના એક દિવસ બાદ કસ્ટમરના પોર્ટફોલિયોમાં શેર દેખાય છે.