( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સપ્તાહના પહેલા દિવસે યુ એસ જોબ ડેટા અને ક્રૂડના ઉછાળાએ શેરબજારનો મૂડ બગડ્યો હતો. સેન્સેકસ એક તબક્કે ૪૫૦ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો. જોકે નીચા મથાળે લેવાલીનો ટેકો મળતાં આ લખાઈ રહ્યું છે ત્યારે બજારે મોટાભાગનો ઘટાડો પચાવી લીધો છે.
મધ્ય પૂર્વમાં લશ્કરી સંઘર્ષને લીધે ક્રૂડમાં ઉછાળો આવવા સાથે અમેરિકાના મજબૂત જોબ ડેટાને કારણે સેન્ટિમેન્ટ પર દબાણ આવતા શેરબજારમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને બાદ કરતાં, અન્ય તમામ 12 મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સમાં નુકસાન થયું છે. હાઈ વેઇટેજ બેંકો અને ઓઇલ એન્ડ ગેસ દરેક 1% ઘટ્યા હતા જ્યારે જાહેર ક્ષેત્રની બેંકો, મેટલ્સ અને મીડિયા શેરોમાં 2%થી વધુનો ઘટાડો થયો હતો.
સ્થાનિક ધોરણે કેન્દ્રિત સ્મોલ અને મિડ-કેપ્સ દરેકમાં 1.5%થી વધુ ઘટ્યા હતા. ઇક્વિટી માર્કેટના વિશ્લેષકોએ એક નોંધમાં લખ્યું હતું કે, “અમને ટોચના લાર્જ-કેપ શેરોમાં વધુ સારું મૂલ્ય મળે છે અને તેઓ સ્મોલ- અને મિડ-કેપ્સ કરતાં વધુ સારું પરિણામ આપશે, એવી અપેક્ષા રાખીએ છીએ.” “મિડ- અને સ્મોલ-કેપ શેરોમાં હાલનો ઉત્સાહ સમય જતાં ઓછો થઈ શકે છે અને મૂલ્યાંકન તેમના ફંડામેન્ટલ્સ સાથે ફરીથી મેળ ખાશે., એમ વધુમાં જણાવ્યું હતું.
મજબૂત યુએસ જોબ રિપોર્ટ્સે લાંબા સમય સુધી ઊંચા વ્યાજ દરના શાસનની ચિંતાને પુનર્જીવિત કરી હોવાથી એશિયન ઇક્વિટીમાં ઘટાડો થયો હતો. મધ્ય પૂર્વમાં લશ્કરી સંઘર્ષને પગલે તેલના ભાવમાં વધારો થયો હતો. ક્રૂડ તેલના ભાવમાં વધારો ભારત જેવા કોમોડિટીના આયાતકારો માટે નકારાત્મક છે.
બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, “ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે રોકાણકારોએ મોટું જોખમ લેવાનું ટાળવું જોઇએ.” “જો ઈરાન યુદ્ધમાં ખેંચાય છે, તો તે તેલના પુરવઠાને વિક્ષેપિત કરી શકે છે, જેના કારણે ક્રૂડમાં વધારો થશે અને બજારમાં જોખમ ઊભું થશે.”
Taboola Feed