કોપરમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ, ટીન અને નિકલમાં આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપરમાં સતત બે સત્રના સુધારા પશ્ર્ચાત્ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને ખપપૂરતી માગ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. આઠ અને રૂ. સાતની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકનો સાધારણ સુધારો આવ્યો હતો. આ સિવાય અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર કોપરનાં ભાવમાં સતત બે સત્ર સુધી સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે સપ્તાહના અંતે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં સાધારણ નરમાઈ જોવા મળી હતી. જેમાં કોપર વાયરબાર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૬૪ અને રૂ. ૬૫૮ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી તથા કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૭૧૬, રૂ. ૭૦૫ અને રૂ. ૬૯૨ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ટીન અને નિકલમાં સતત ચોથા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે સુધારો આગળ ધપતા ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. ૨૨૧૩ અને રૂ. સાત વધીને રૂ. ૧૪૫૫ના મથાળે રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૨૦૭, રૂ. ૨૨૫ અને રૂ. ૧૮૮ના મથાળે રહ્યા હતા.
આ સિવાય આજે બ્રાસ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં કામકાજો પાંખાં રહ્યા હોવાથી ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.