કોપરમાં પુરવઠાખેંચ અને માગને ટેકે આગળ ધપતી તેજી | મુંબઈ સમાચાર
વેપાર

કોપરમાં પુરવઠાખેંચ અને માગને ટેકે આગળ ધપતી તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક સ્તરે કોપરનું ખનન કરતી ઈન્ડોનેશિયાની અગ્રણી કંપની ફ્રીપોર્ટ મેકમોરાનમાં ખનન કામકાજ થંભી જવાની સાથે કોપરમાં પુરવઠા ખેંચની સ્થિતિ સર્જાતા લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ ટનદીઠ 10,000 ડૉલરની ઉપરની સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હોવાના નિર્દેશો સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ કોપરની આગેવાની બ્રાસ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને નિકલમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી 21ની તેજી આગળ ધપી હતી.

જોકે, આજે માત્ર ટીનમાં ગઈકાલના ઉછાળા પશ્ચાત્‌‍ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. આઠ ઘટી આવ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું.

આ પણ વાંચો: યુએઈ સાથેના કરારથી કોપરની આયાત વધવાની ઉદ્યોગમાં ભીતિ

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર તાજેતરમાં ચીનમાં પ્રોપર્ટી ક્ષેત્ર દબાણ હેઠળ હોવા છતાં સરકારે માળખાકીય ખર્ચમાં કરેલા આક્રમક વધારાને કારણે કોપરની વપરાશી માગ વધવાની શક્યતા ઉપરાંત સ્થાનિક સ્તરે ઈલેક્ટ્રિક વાહનો તરફ થઈ રહેલા બદલાવ અને ગ્રીડ મોર્ડનાઈઝેશન સહિતનાં ગ્રીન એનર્જી રૂપાંતરણને કારણે કોપરની માગ વધવાની શક્યતાએ કોપરની તેજીને ટેકો મળી રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે પરંપરાગત વાહનોની સરખામણીમાં ઈલેક્ટ્રિક વાહનોમાં કોપરનો વપરાશ ત્રણથી ચાર ગણો વધુ થતો હોય છે. આમ વૈશ્વિક તેમ જ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક બજારમાં કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 21 વધીને રૂ. 929, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. 20 વધીને અનુક્રમે રૂ. 835 અને રૂ. 904, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. 17 વધીને રૂ. 915 અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 13 વધીને રૂ. 1028ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો: કોપરની વેરાઈટીઓમાં પીછેહઠ, ટીન અને નિકલમાં સુધારો

વધુમાં આજે કોપરની આગેવાની હેઠળ અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. 10 વધીને રૂ. 645, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. 598, ઝિન્ક સ્લેબ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. 297 અને રૂ. 1367 અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એકના સુધારા સાથે રૂ. 265ના મથાળે રહ્યા હતા.

જોકે, ગઈકાલે ટીનમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. 210ના ઉછાળા પશ્ચાત્‌‍ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. આઠના ઘટાડા સાથે રૂ. 3400ના મથાળે રહ્યા હતા, જ્યારે ખપપૂરતી માગને ટેકે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 217 અને રૂ. 185ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.

સંબંધિત લેખો

Back to top button