કોપરમાં પુરવઠાખેંચની ચિંતા વચ્ચે રૂ. 50ની ઝડપી તેજી ઈન્ડોનેશિયાની ફ્રીપોર્ટ તરફથી પુરવઠો ખોરવાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ કોપરનું ખનન કરતી વૈશ્વિક દ્વિતીય ક્રમાંકની ઈન્ડોનેશિયાની અગ્રણી કંપની ફ્રીપોર્ટ-મેકમોરાનની ગે્રસબર્ગ ખાણમાં ઉત્પાદન ખોરવાઈ જતા પુરવઠાની ચિંતા સપાટી પર આવતાં આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરનાં વાયદામાં ભાવ એક ટકો ઉછળીને ટનદીઠ 10,501.30 ડૉલર સુધી પહોંચ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ કોપરની વેરાઈટીઓના ભાવમાં કિલોદીઠ રૂ. 15થી 50 સુધીની ઝડપી તેજી આવી ગઈ હતી. આ સિવાય એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતા કોપરની આગેવાનીમાં અન્ય તમામ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી 22 સુધીનો સુધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : ડૉલરની નરમાઈને ટેકે વિશ્વ બજાર પાછળ કોપરમાં સુધારો
અગાઉ આ મહિનાના આરંભમાં ઈન્ડોનેશિયન સરકાર સાથેનાં સંયુક્ત સાહસ ધરાવતી ખનન કંપની ફ્રીપોર્ટે જણાવ્યું હતું કે ખાણમાં કાદવ અને માટી ધસી પડવાથી કામકાજ બંધ થયું છે અને હવે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ ન હોવાથી કોન્ટ્રાક્ટ પરિપૂર્ણ કરવાની સ્થિતિમાં ન હોવાનું અને ખાણ પુનઃ કાર્યરત વર્ષ 2027 સુધીમાં થવાની શક્યતા વ્યક્ત કરતાં આજે ઝડપી તેજી જોવા મળી છે. નોંધનીય બાબત એ છે કે કોપરનાં વૈશ્વિક પુરવઠામાં કંપની ત્રણ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
દરમિયાન આજે વિશ્વ બજાર પાછળ કોપરમાં સ્ટોકિસ્ટો અને વપરાશકાર ઉદ્યોગની આક્રમક લેવાલીને ટેકે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 50 વધીને રૂ. 1005, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. 26 વધીને રૂ. 878, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. 24 વધીને રૂ. 894, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 21 વધીને રૂ. 901 અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 15 વધીને રૂ. 800ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો : કોપરનાં ખાણકામ અને સંશોધનોમાં રોકાણ આકર્ષવા નીતિવિષયક સુધારાની તાતી જરૂરઃ અહેવાલ
વધુમાં આજે કોપરની આગેવાની હેઠળ અન્ય ધાતુઓમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. 22 વધીને રૂ. 3140, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. 13 વધીને રૂ. 262, નિકલના ભાવ કિલોદીઠ રૂ. 10 વધીને રૂ. 1367, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને રૂ. 289, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. 585, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને 630 અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. 185ના મથાળે રહ્યા હતા, જ્યારે એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 218ના મથાળે ટકેલા રહ્યા હતા.