લોકસભાની ચૂંટણી અગાઉ પોઝિટિવ અંડરટોન સાથે કોન્સોલિડેશનની સંભાવના

ફો૨કાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં અત્યારે તેજી કે મંદી માટે કોઇ સ્ટ્રોંગ ટ્રીગર નથી પરંતુ, લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો મુખ્ય અસરકર્તા પરિબળ છે. એક દિવસ તેજીનો ઉછાળો આવે એટલે ઇલેક્શન રેલી કે મોદીની લહેર જેવા નિષ્કર્ષ પર આવવું અને બીજા દિવસે કડાક બોલી જાય ત્યારે એનાથી વિપરીત કલ્પનાઓ કરવી તાર્કિક નથી.
નિષ્ણાતો અનુસાર આ સપ્તાહે કોર્પોરેટ અર્નિંગ, લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો, યુકેના પ્રથમ ત્રિમાસિક જીડીપીના આંકડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડની પોલિસી મીટિંગ પર પોકસ સાથે બજાર હકારાત્મક પૂર્વગ્રહ સાથે વધુ મજબૂત થવાની ધારણા છે.
ત્રીજીમેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, માર્ચ ક્વાર્ટરની કમાણી, ક્રૂડ ઓઇલના ઘટેલા ભાવો અને તંદુરસ્ત માસિક ઓટો વેચાણના આંકડાઓના ટેકો સાથે બજારે તેની ઉપરની સફર જાળવી રાખી હતી છતાં તેની ચાલ વ્યાપકપણે રેન્જબાઉન્ડ રહી હતી. જો કે, ફુગાવાના ઊંચા દબાણ અંગે સાવચેતી રાખતા અમેરિકન ફેડરલ રિઝર્વે તેના બેન્ચમાર્ક વ્યાજ દર ૫.૨૫-૫.૫ ટકા જાળવી રાખ્યા હોવાના સમાચારે એકંદર વૈશ્ર્વિક ઇક્વિટી બજારના સેન્ટિમેન્ટને ફટકો પડ્યો હતો. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી અને જંગી વેચવાલી સાથે ચૂંટણીઓના દિવસો નજીક આવતા હોવાથી જોરદાર પ્રોફિટ બુકિંગ શરૂ થતાં ખાસ કરીને સમીક્ષા હેઠળના અંતિમ સત્રમાં કડાકો બોલી ગયો હતો. સપ્તાહના અંતિમ સત્રમાં જોરદાર તેજી સાથે ઊંચી સપાટીએ શરૂઆત કર્યા બાદ શેરબજારમાં પ્રોફિટ બુકિંગનો મારો શરૂ થતાં બંને બેન્ચમાર્ક રેડ ઝોનમાં સરકી ગયા હતા. વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ઊંચી સપાટી સામે સત્ર દરમિયાન ૧૬૩૮ પોઇન્ટની અને પાછલા બંધ સામે ૧૧૪૪ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૭૦૦ પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી સત્ર દરમિયાન નવી ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયા બાદ નેગેટીવ ઝોનમાં સરી પડ્યો હતો.
સેન્સેક્સે ખૂલતા સત્રમાં ૭૫,૦૦૦ની સપાટી વટાવી નાંખી હતી અને નિફ્ટીએ ૨,૮૦૦ નજીક પહોચીને નવી વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, રોકાણકારોએ બપોરના સત્ર દરમિયાન એકાએક ટેલિકોમ, કેપિટલ ગુડ્સ અને ટેક શેરોમાં ઝડપી વેચવાલી ચલાવી હોવાથી ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટથી વધુ ગગડીને ૭૪,૦૦૦ના સ્તરની નીચે સરકી ગયો હતો અને નિફ્ટીએ શુક્રવારે વિક્રમી ઊંચાઈથી પીછેહઠ કરી હતી.
રોકાણકારોનું ધ્યાન આ સ તાહે સ્થાનિક ધોરણે કોર્પોરેટ કમાણી અને લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા સાથે સંકળાયેલા સમાચારો અને અટકળો પર તેમ જ વૈશ્ર્વિક સ્તરે યુકેના પ્રથમ ક્વાર્ટરના જીડીપી આંકડાઓ અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના (બીઓઆઇ)ની પોલિસી બેઠક પર રહેશે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
સોમવારના રોજ, બજારના સહભાગીઓ સૌપ્રથમ અપેક્ષિત નોન-ફાર્મ પેરોલ્સ ડેટા અને યુ.એસ.માં વધતી જતી બેરોજગારી (જેણે ૨૦૨૪માં ફેડ દ્વારા ઓછામાં ઓછા બે રેટ કટની આશા ઉભી કરી), તેમજ કોટક મહિન્દ્રા બેન્કની ત્રિમાસિક કમાણી પર પ્રતિક્રિયા આપશે. નિફ્ટી-૫૦ પાછલા સપ્તાહ દરમિયાન ૫૬ પોઈન્ટ વધીને ૨૨,૪૭૬ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો અને સેન્સેક્સ ૧૪૮ પોઈન્ટ વધીને ૭૩,૮૭૮ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. વ્યાપક બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૬ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩૦૦ ટકા નીચી સપાટીએ ગબડ્યો હતો.
આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામોની ચાલુ મોસમ રોકાણકારો માટે એક મુખ્ય પરિબળ હશે, કારણ કે તેને આધારે તેઓ તેમના પોર્ટફોલિયોમાં ફએરબદલ કરવાની જરૂર પડી શકે છે. આ ઉપરાંત બજાર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના વલણ અને યુકેના જીડીપી ડેટા પર પણ ફંડો અને રોકાણકારો નજર રાખશે. એકંદરે ઊંચા વેલ્યુએશન અને ચૂંટણીના પડઘમને કારણે અફવા બજારના ગરમાટાને કારણે તે બજારમાં કોન્સોલિડેશનની સંભાવના રહે છે.
ટોચના બ્રેકિંગ ફર્મના રિસર્ચ ચીફ અનુસાર બજારનીમ વ્યાપક શ્રેણીમાં કોન્સોલિડેશન જોવા મળશે, પરંતુ અંડરટોન મજબૂત હોવાથી ગતિ ધીમી પડવા છતાં દિશા આગેકૂચની રહી શકે છે. બજારના સહભાગીઓ માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે, જે હવે તેના પાંચમા સપ્તાહમાં પ્રવેશ કરશે. અત્યાર સુધી કોર્પોરેટ પરિણામો વિશ્ર્લેશકોની અપેક્ષાઓ સાથે વ્યાપકપણે સુસંગત છે. આ સપ્તાહે ૩૦૦થી વધુ કંપનીઓ તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે, જેમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, હીરો મોટોકોર્પ, લાર્સન એન્ડ ટુબ્રો, એશિયન પેઈન્ટ્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સિપ્લા, આઈશર મોટર્સ અને ટાટા મોટર્સ જેવા મુખ્ય નામોનો સમાવેશ થાય છે.
અન્ય મહત્વની નોન-નિફ્ટી૫૦ કંપનીઓ જેમ કે લ્યુપિન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, કેનેરા બેંક, એબીબી ઈન્ડિયા, ટાટા પાવર, ટીવીએસ મોટર, એસ્કોર્ટ્સ કુબોટા, મેરિકો, પીબી ફિનટેક, ગોદરેજ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, જેએસડબ્લ્યુ એનર્જી, વોલ્ટાસ, ભારત ફોર્જ અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ પણ આવતા સપ્તાહે તેમની કમાણીની જાહેરાત કરશે.
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી સામે આ વખતે પ્રથમ અને બીજા તબક્કામાં મતદાનની ટકાવારી નીચી રહી હોવાથી રોકાણકારો ત્રીજા તબક્કાના મતદાન પર ઉત્સુકતાપૂર્વક નજર રાખશે. ત્રીજા તબક્કામાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળ સહિત ૧૨ રાજ્યોના ૯૬ મતવિસ્તારોમાં મતદાન થશે.
વૈશ્ર્વિરક સ્તરે, રોકાણકારો નવમી મેના રોજ નિર્ધારિત બેન્ક ઓફ ઇંગ્લેન્ડના નીતિ નિર્ણય પર નજર રાખશે અને તે જ તારીખે યુકેના જીડીપી ડેટા માટેના પ્રારંભિક અંદાજો પર પણ નજર રાખશે. યુકેમાં નબળો વિકાસ અને ઠંડો ફુગાવાએ પોલિસી શિફ્ટ માટે સાનુકૂળ ગ્રાઉન્ડ સેટ કર્યું છે; જો કે, તેના એમપીસી (મોનેટરી પોલિસી કમિટી)ના અધિકારીઓ ચાર વર્ષમાં પ્રથમ રેટ કટના સમય અંગે વિભાજિત રહ્યાં છે, નિષ્ણાતોએ જણાવ્યું હતું. ગ્રાહક ભાવ ફુગાવો માર્ચ માટે ૩.૨ ટકા હતો અને નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે તે એપ્રિલમાં વધુ ઘટશે, જ્યારે યુકેની અર્થવ્યવસ્થા ટેકનિકલ મંદીમાં પ્રવેશી છે અને પાછલા ત્રિમાસિક ગાળામાં (ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૩) જીડીપી ૦.૧ ટકાની સામે માઇનસ ૦.૩ ટકા પર આવી છે. અગાઉના ક્વાર્ટરમાં (૨૦૨૩) ટકા સંકોચન નોંધાયું હતું. આ સિવાય યુ.એસ.ના સાપ્તાહિક જોબ્સ ડેટા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે; યુરોપ, જાપાન અને ચીનમાંથી એપ્રિલ માટે પીએમઆઈ સર્વિસ ડેટા અને ચીન તરફથી એપ્રિલ માટે ફુગાવો અને પીપીઆઇ ડેટા પણ મહત્ત્વના પરિબળ બની શકે. અગ્રણી ચાર્ટિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટીએ બેરિશ પેટર્નની રચના કરી છે તે જોતાં જણાય છે કે, જો તે ૨૨,૪૦૦ની નીચે ગબડે તો ૨૨,૨૦૦-૨૧,૮૫૦ની નીચી રેન્જ સુધી જઇ શકે છે. જો તેજી માટે ટ્રીગર મળશે તો તે ૨૨,૭૫૦-૨૨,૯૦૦ સુધી આગળ વધી શકે છે. સોમવારે જ્યારે બજાર બજાર ખુલશે, ત્યારે તે કોટક મહિન્દ્રા બેંક, ડીમાર્ટ અને આઇસીઆઇસીઆઇ બેન્કના ચોથા ક્વાર્ટરના પરિણામોને રિએએક્ટ કરશે. ડીઆરએલ, સિપ્લા, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, બીપીસીએલ, એસબીઆઈ, હીરો મોટો અને એલએન્ડટી સહિતની કંપનીઓ પણ પરિણામ જાહેર કરશે.