વેપાર

કોન્સોલિડેશન, કરેકશન મોડ: શેરબજારમાં ફૂંકાયો સાવચેતીનો પવન, નિફ્ટી માટે આગેકૂચ મુશ્કેલ

ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારે એકધારી ત્રણ સપ્તાહની આગેકૂચને એકાએક બ્રેક મારી છે. આ તરફ વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટ ત્રણ સપ્તાહની નીચી સપાટીએ અથડાઇ રહ્યાં છે. શેરબજારે એકધારી આગેકૂચ સાથે વેલ્યુએશન્સને પણ ઊંચી સપાટીએ પહોંચાડ્યા છે. આ તરફ તેજી માટે કોઇ નવા ટ્રીગર નથી અને પેલી તરફ રીંછડાને પારો ચડાવે એવા પરિબળો ડોકાઇ રહ્યાં છે.

સરવાળે શેરબજારમાં સાવચેતીનું માનસ છે અને સ્પષ્ટ છે કે ટૂંકા ગાળાનું ચિત્ર તેજી માટે ધૂંધળું છે. આ સપ્તાહે ફુગાવાના ડેટા, આઇપીઓની વણઝાર, ક્રૂડ ઓઇલના ભાવ, ફેડરલના કરતબો અને વિશ્ર્વબજારના સંકેતો બજારની દિશા નક્કી કરશે. વૈશ્ર્વિક ધોરણે ફેડરલ રિઝર્વની બેઠક અગાઉ ૧૧ સપ્ટેમ્બરે જાહેર થનારા યુએસ ઇન્ફ્લેશન રિપોર્ટ અને ૧૪મી સપ્ટેમ્બરે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ પર રહેશે. સ્થાનિક ધોરણે ૧૨મી સપ્ટેમ્બરે સીપીઆઇ અને આઇઆઇપી ડેટા પણ બજારને સંકેત આપશે.

ટેકનિકલ ધોરણે નિફ્ટીની બેરિશ કેન્ડલ સૂચવે છે કે ટૂંકા ગાળામાં તેજીની આશા રાખી શકાય નહીં. નિફ્ટી માટે ૨૪,૫૦૦-૨૪,૪૦૦ મહત્ત્વનો સપોર્ટ ઝોન છે, જો બેન્ચમાર્ક ૨૪,૪૦૦ની સપાટી તોડશે તો વધુ ૩૦૦થી ૪૦૦ પોઇન્ટ નીચે જઇ શકે છે. જ્યારે આગેકૂચ માટે નિફ્ટીએ ૨૫,૩૫૦ની ઉપર મક્કમ બંધ આપવો પડશે.

અમેરિકાની મંદીની ચિંતા ફરી સપાટી પર આવવાથી વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં નરમાઇનો માહોલ જામતાં મંદીવાળા હાવી થઇ ગયા હોવાથી શુક્રવારે સેન્સેક્સમાં ૧૦૧૭ પોઇન્ટનો કડાકો બોલાવા સાથે બીએસઇ પર લિસ્ટેડ શેરોના કુલ બજાર મૂલ્યમાં લગભગ રૂ. ૫.૪૯ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે. સેન્સેક્સ ૧,૦૧૭.૨૩ પોઈન્ટ ઘટીને ૮૧,૧૮૩.૯૩ પોઇન્ટની, જ્યારે નિફ્ટી ૨૯૨.૯૫ પોઈન્ટ ઘટીને ૨૪,૮૫૨.૧૫ પોઇન્ટના સ્તરે સ્થિર થયો છે.

ડોલર, યુએસ બોન્ડ યિલ્ડ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા છતાં ખાસ કરીને વિશ્ર્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં મંદીના સંકેત મળવાને કારણે વૈશ્ર્વિક બજારો પાછળ સ્થાનિક બજારમાં પણ વેચવાલીનું દબાણ વધ્યું હતું.અર્થશાસ્ત્રીઓ માને છે કે, અમેરિકામાં જાહેર થનારા નોન-ફાર્મ ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ ડેટાની અસર, ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં ઘટાડાનું કદ અને ઝડપ નક્કી કરી શકે છે.

બજારનાં સાધનો અનુસાર યુએસ નોન-ફાર્મ પેરોલ્સ રિપોર્ટની જાહેરાત પહેલા રોકાણકારો વધુને વધુ નર્વસ બન્યા હોવાથી ભારતીય ઇક્વિટી બજારોમાં ઘટાડો થયો હતો. સપ્ટેમ્બરમાં સંભવિત રેટ કટ માટે ભૂમિકા બાંધતા, ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે તાજેતરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે નીતિ ઘડવૈયા શ્રમ બજારમાં વધુ નબળાઇને આવકારતા નથી.

નવા ડેટાને આધારે એવી અટકળ થઇ રહી છે કે, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. નિષ્ણાતો અનુસાર ઇક્વિટી બજાર દ્વારા આને આવકાર્ય પરિસ્થિતિ ના ગણી શકાય કારણ કે આવા ડેટા વિકાસની ગંભીર ચિંતાઓ સાથે અમેરિકાના અર્થતંત્ર માટે ભારે સ્લો ડાઉનના સંકેત આપે છે, જે વેચવાલીનું દબાણ વધારી શકે છે.

બજારની આગેકૂટને અવરોધે એવા પરિબળોમાં પ્રથમ ક્વાર્ટરનો જીડીપી વિકાસદર અને કોર્પોરેટ ક્ષેત્રની કમાણીમાં સહેજ ઘટાડો જોવા મળ્યો છે. ભારતના ઓગસ્ટના પીએમઆઇ ડેટા જુલાઇ કરતા નીચી સપાટીએ છે જે સાવચેતીનો સંકેત આપે છે. ઓટો સેકટરના વેચાણના આંકડા નબળા છે, સરકારી બેન્કોની દશા નબળી છે.

સોમવારે આજે બજાર અમેરિકાના અપેક્ષાથી નબળા જોબ ડેટા સામે પ્રતિક્રિયા આપશે, કારણે કે આ ડેટાએ ફેડરલના વલણ અંગે ફરી અનિશ્ર્ચિતતા ઊભી કરી છે. બજારે ફેડરલ ૨૫ બેસિસ પોઇન્ટના વધારાને અગાઉ જ ડિસ્કાઉન્ટ કરી લીધું છે. જોકે, ફેડરલ જો ૫૦ બેસિસ પોઇન્ટ જાહેર કરે તો ટૂંકા ગાળાની પોઝિટિવ અસર સંભવ છે.

આ સપ્તાહે મેઇનટબોર્ડના ચાર અને નવ એસએમઇ આઇપીઓ આવી રહા છે. બજાજ હાઉસિંગનો રૂ. ૬૫૦૦ કરોડના આઇપીઓ પર બજારની ખાસ નજર રહેશે.

આ ઉપરાંત પીએન ગાડગીલ અને ટોલિન્સ ટાયર મેઇન બોર્ડ આઇપીઓ લાવી રહ્યાં છે. એફઆઇઆઇ અને સ્થાનિક રોકાણકારો હવે સેક્ધડરી માર્કેટ કરતા પણ વધુ ધ્યાન આઇપીઓ પર આપી રહ્યાં છે.

ક્રૂડ ઓઇલના ભાવ ગયા સપ્તાહે દસેક ટકા ઘટ્યા હતા. આમ તો આ સારી બાબત છે પરંતુ તેના કારણો જોઇએ તો ચીન અને અમેરિકાના અર્થતંત્રની મંદ ગતિ જેવી બાબતો હોય તો તે ફરી શેરમાર્કેટ માટે પણ નેગેટિવ બાબત છે. પાછલા સપ્તાહે એફઆઇઆઇએ એક્સચેન્જ અને પ્રાઇમરી માર્કેટ મારફત રૂ. ૧૧,૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. એકંદરે આ સપ્તાહે આર્થિક ડેટાને આધારે બજારમાં કોન્સોલિડેશન અને કરેકશન જોવા મળશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત