વેપાર

ના હોય! કંગાળ પાકિસ્તાની શૅરબજારમાં ભારતની તુલનાએ પાંચ ગણી તેજી, છતાં સ્થાન ટોપ-૧૦૦માં પણ નહીં!

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતીય રોકાણકારો માટે માનવું અને સ્વીકારવું મુશ્કેલ બને એવા એક અહેવાલ અનુસાર કંગાળ પાકિસ્તાની શેરબજારે ભારતની તુલનાએ પાંચ ગણી તેજી નોંધાવી છે. જોકે, સાથે એ પણ જાણવું જરૂરી છે કે માર્કેટ કેપિટલના ધોરણે પાકિસ્તાની શેરબજાર ભારત કરતા અનેકગણું નાનું અને પછાત છે. પાકિસ્તાન વિશ્ર્વના ટોચના ૧૦૦ એક્સચેન્જમાં પણ નથી.

દેવાના બોજા હેઠળ કચડાઇ રહેલા અને આર્થિક પાયમાલીનો સામનો કરતાં પાકિસ્તાન એક બાજુ નાણાકીય કટોકટીનો સામનો
કરી રહ્યું છે, જ્યારે બીજી બાજુ તેનું
શેરબજાર આસમાને પહોંચ્યું છે. પાછલાં એક વર્ષમાં પાકિસ્તાનનું શેરબજાર ૧૦૦ ટકા ઊછળ્યું છે.

આ ઉછાળો ભારતીય સ્ટોક એક્સચેન્જીસમાં નોંધાયેલા ઉછાળા કરતાં પાંચ ગણુ વધુ છે. ભારતીય શેરબજાર પાછલા એક વર્ષમાં ૨૦થી ૨૫ ટકા સુધી વધ્યું છે. નિફ્ટી એક વર્ષમાં ૨૫ ટકા, જ્યારે સેન્સેક્સ ૨૧ ટકા ઉછળ્યો છે. જ્યારે પાકિસ્તાનનું કરાંચી સ્ટોક એક્સચેન્જ ૧૦૦ ટકા ઉછળ્યો છે.

પાકિસ્તાનનો ટોચનો ઈન્ડેક્સે પણ ૧૦૦ ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. જો કે, અગાઉ જણાવ્યું તેમ માર્કેટ કેપની દ્રષ્ટિએ પાકિસ્તાનનું શેરબજાર ભારતની તુલનાએ ક્યાંય આવતુ નથી. માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતીય સ્ટોક એક્સચેન્જ વિશ્વના ટોપ-૫ શેરબજારમાં સામેલ છે.

હાલ તેની માર્કેટ કેપ રૂ. ૪૩૫ લાખ કરોડથી વધુ છે. જ્યારે પાકિસ્તાનનું સ્ટોક એક્સચેન્જ ટોપ-૧૦૦માં પણ સ્થાન ધરાવતા નથી.

માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોચના સ્ટોક એક્સચેન્જીસમાં અમેરિકાનુ ન્યૂયોર્ક સ્ટોક એક્સેન્જ પ્રથમ, ટોકિયો સ્ટોક એક્સચેન્જ બીજા, લંડન સ્ટોક એક્સચેન્જ ત્રીજા,
નેશનલ સ્ટોક એક્સચેન્જ ચોથા
અને પાંચમા સ્થાને હોંગકોંગ સ્ટોક એક્સચેન્જ સામેલ છે.

પાકિસ્તાનના શેરબજાર પાછલા એક સપ્તાહથી આકર્ષક ઉછાળો નોંધાવી રહ્યા છે. પાછલા એક વર્ષમાં કરાંચી ૧૦૦ ઈન્ડેક્સ ૪૦૦૦૦ના સ્તરે હતો. જે હવે વધી ૮૦ હજારની સપાટી ક્રોસ કરી ગયો છે. એફટીએફસી પાકિસ્તાન ઈન્ડેક્સ ૧૦૦ ટકા ઉછળા સાથે ૧૧૦૦ પોઈન્ટનું લેવલ વટાવી ગયો છે.

આ આકર્ષક તેજીના લીધે પાકિસ્તાન શેરબજારમાં રોકાણકારોની સંખ્યા અને આકર્ષણ સતત વધી રહ્યું છે. નિષ્ણાતોએ પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં સુધારાના સંકેતના પગલે આ તેજી નોંધાઈ રહી હોવાનું જણાવ્યું છે.

તાજેતરમાં જ પાકિસ્તાનમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે બજેટની સાઈઝ લગભગ પાકિસ્તાની રૂ. ૧૮.૮૮ લાખ કરોડ હતું, જે ગયા વર્ષ કરતાં ૩૦.૫૬ ટકા વધુ છે. બજેટ રજૂ થયાના બીજા દિવસથી પાકિસ્તાની શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

પાકિસ્તાની નાણા પ્રધાન મુહમ્મદ ઔરંગઝેબે બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર સરકારી સાહસોને ખાનગી હાથમાં સોંપવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાનની સરકાર દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે આવતા વર્ષે ખાનગીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

આ ઉપરાંત, બજેટમાં લેવામાં આવેલા પગલાઓથી એવું લાગે છે કે પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) પાસેથી લોન મેળવવી સરળ બનશે. જેના કારણે શેરબજારનો વિશ્વાસ વધ્યો છે અને રોકાણકારો આશા સાથે રોકાણ કરી રહ્યા છે.

પાકિસ્તાન પર આઇએમએફ પાસેથી લોન મેળવવા માટે શરતોનું દબાણ છે. પાકિસ્તાનના નાણા પ્રધાન મુહમ્મદ ઔરંગઝેબ પર ટેક્સ વધારવા અને રેવન્યુ કલેક્શન વધારવાનું
દબાણ હતું.

આઇએમએફ પાસેથી બેલઆઉટ
પેકેજ મેળવવા માટે, પાકિસ્તાન સરકારે આગામી નાણાકીય વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિ
દરનો લક્ષ્યાંક ૩.૬ ટકા રાખ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનો વિકાસ દર ૨.૩૮ ટકા હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button