વેપાર

રેટ કટના આશાવાદ અને કેન્દ્રવર્તી બૅન્કોની આક્રમક લેવાલીએ વૈશ્વિક સોનામાં આગઝરતી તેજી

કોમોડિટી – રમેશ ગોહિલ

અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત થાય તેવા આશાવાદ, મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ, ક્રૂડતેલના ભાવમાં તેજી તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જળવાઈ રહેવાથી વૈશ્વિક સ્તરે ફુગાવામાં વધારો થવાની ભીતિ હેઠળ રોકાણકારોની હેજરૂપી લેવાલી ઉપરાંત સટ્ટાકીય આકર્ષણને કારણે વૈશ્વિક સોનામાં સતત ત્રીજા સપ્તાહમાં એકતરફી તેજીનું વલણ જોવા મળ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે સોનામાં ભાવ વધારો આગળ ધપ્યો હતો અને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 10 ગ્રામદીઠ રૂ. 2630નો અથવા તો 3.91 ટકાનો ઉછાળો આવ્યો હતો. જોકે, તેજીના આ માહોલમાં સાર્વત્રિક સ્તરેથી માગ તળિયે બેસી ગઈ હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 28મી માર્ચના 10 ગ્રામદીઠ રૂ. 67,252ના બંધ સામે સુધારાના અન્ડરટોને 68,964ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં 68,817 અને ઉપરમાં રૂ. 69,902ની રેન્જમાં અથડાઈને અંતે આગલા સપ્તાહના બંધ ભાવની સરખામણીમાં રૂ. 2630ની તેજી સાથે રૂ. 69,882ના મથાળે બંધ રહ્યા હતા.
ગત માર્ચ મહિનામાં અમેરિકામાં રોજગારી ક્ષેત્રે અર્થશાસ્ત્રીઓના બે લાખ રોજગારીનાં સર્જનની ધારણા સામે 3,03,000 રોજગારનું સર્જન થયું હોવાનું અમેરિકી શ્રમ વિભાગે જણાવ્યું હતું. આમ એકંદરે જોબ ડેટા સારા આવ્યા હોવાથી રેટ કટની શક્યતા નબળી પડી હોવા છતાં મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ, ક્રૂડતેલના ભાવમાં વધારો તથા કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં અવિરત લેવાલી જળવાઈ રહેતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનામાં તેજીનું વલણ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 2324.79 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ પાછા ફરીને આગલા બંધ સામે 1.3 ટકા વધીને આૈંસદીઠ 2320.04 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનાના ભાવમાં 3.8 ટકાનો ઉછાળો આવ્યો હતો. તેમ જ વાયદામાં ભાવ પણ આગલા બંધ સામે 1.4 ટકા વધીને આૈંસદીઠ 2339.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે અગાઉ અમેરિકામાં ફુગાવો અંકુશ હેઠળ આવી રહ્યો હોવા ઉપરાંત આર્થિક ડેટાઓ પણ મજબૂતીનો સંકેત આપી રહ્યા હોવાથી વ્યાજદરમાં ઘટાડો કરવામાં ઉતાવળ કરવામાં નહીં આવે, એમ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હોવાથી વિશ્વ બજારમાં સોનાના ભાવ સાધારણ દબાણ હેઠળ આવ્યા હતા, પરંતુ તેની સામે કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી, ક્રૂડતેલના ભાવમાં વધારો થવાથી હેજરૂપી માગ અને સટ્ટાકીય આકર્ષણ જળવાઈ રહેતાં ભાવમાં પુન: ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાનું વિશ્લેષકોએ જણાવ્યું હતું.
અમેરિકાનાં રોજગારીના ડેટાની જાહેરાત પશ્ચાત્‌‍ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ સાથે ડૉલર ઈન્ડેક્સ ઘટીને 104ની નીચે ઊતરી ગયો હતો તેમ જ અમેરિકી ટે્રઝરીની યિલ્ડ પણ વધી હોવા છતાં સોનાને મધ્ય પૂર્વનાં દેશોની તણાવની સ્થિતિનો ટેકો મળતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું વિશ્લેષકો જણાવે છે.
રેટ કટના આશાવાદ અને કેન્દ્રવર્તી બૅન્કોની ગત ફેબ્રુઆરીના મધ્યથી સોનામાં નીકળેલી લેવાલી જળવાઈ રહેતાં વૈશ્વિક બજારમાં છેલ્લાં ત્રણ સપ્તાહથી સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ભાવવધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે કેન્દ્રવર્તી બૅન્કોમાં ખાસ કરીને ચીન, ભારત અને કઝાકિસ્તાનની લેવાલી જોવા મળી છે. વધુમાં યુક્રેન અને મધ્ય પૂર્વના દેશોમાં તણાવને કારણે રોકાણકારોની સોનામાં સલામતી માટેની વધેલી માગનો ટેકો મળી રહ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્લેષકે જણાવ્યું હતું. જોકે, ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે આ વર્ષનાં પાછોતરા હિસ્સામાં રેટ કટની શક્યતા વ્યક્ત કરતાં 62 ટકા બજાર વર્તુળો આગામી જૂન મહિનાથી રેટ કટની શરૂઆત થાય તેવી ધારણા મૂકી રહ્યા છે.
તાજેતરમાં વૈશ્વિક સોનાએ ઔંસદીઠ 2310 ડૉલરની પ્રતિકારક સપાટી પાર કરી હોવાથી આગામી સપ્તાહ દરમિયાન ભાવ વધીને આૈંસદીઠ 2380 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા છે, જ્યારે આૈંસદીઠ 2310 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થવાની શક્યતા વ્યક્ત કરતાં તેમણે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 67,800થી 71,300ની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. વધુમાં બૅન્ક ઑફ અમેરિકાના વિશ્લેષકે એક નોટ્સમાં જણાવ્યું હતું કે અગાઉ અમે જો ફેડરલ રિઝર્વ વર્ષ 2024નાં પહેલા ત્રિમાસિકગાળામાં વ્યાજદરમાં કાપ મૂકે તો સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 2400 ડૉલરની સપાટીએ પહોંચવાનો અંદાજ મૂક્યો હતો જોકે, વર્ષ 2024નાં પાછોતરા હિસ્સામાં પણ ફેડરલ વ્યાજદરમાં કાપ મૂકે તો પણ અમે આ અંદાજ જાળવી રાખ્યો હોવાનું એક નોટ્સમાં જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button