
વિતેલા સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ વિક્રમ સપાટીએથી પાછા ફર્યા હતાં. તેમ જ ભાવમાં પીછેહઠની સાથે સાથે રોકાણકારોની નફારૂપી વેચવાલી પણ નીકળતાં ભાવઘટાડાને વધુ ટેકો મળ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી, પરંતુ ડૉલરની મજબૂતીને ધ્યાનમાં લેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સપ્તાહ દરમિયાન ડૉલર સામે રૂપિયામાં 69 પૈસાનું ધોવાણ થયું હોવાથી સોનાની આયાત પડતરો વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનામાં ભાવઘટાડો 10 ગ્રામદીઠ રૂ. 1036 સુધી મર્યાદિત રહ્યો હતો. એકંદરે સપ્તાહ દરમિયાન ભાવમાં ઊંચા મથાળેથી પીછેહઠ થવાને કારણે માગમાં થોડોઘણો સળવળાટ જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 22મી ફેબ્રુઆરીના 10 ગ્રામદીઠ રૂ. 86,092ના બંધ સામે સાધારણ સુધારાના અન્ડરટોને રૂ. 86,356ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં 85,056 અને ઉપરમાં રૂ. 86,647ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે 1.20 ટકા અથવા તો રૂ. 1036ના ઘટાડા સાથે રૂ. 85,056ની નીચી સપાટીએ બંધ રહ્યા હતા. જોકે, ભાવમાં ઘટાડાનું વલણ શરૂ થવાથી માગમાં થોડો ઘણો સળવળાટ જોવા મળ્યો હોવાનું અમદાવાદ સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું, જ્યારે મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે વર્તમાન ફેબ્રુઆરી મહિનામાં બૅન્કો દ્વારા આયાત એકદમ નહીંવત્ જેવી થઈ હોવાથી પુરવઠાસ્થિતિ તંગ હોવા છતાં વિશ્ર્વ બજાર પાછળ ભાવ ઘટી આવતા સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ 12થી 27 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. આ પૂર્વેના સપ્તાહે ડિસ્કાઉન્ટ 35 ડૉલરની સપાટીએ રહ્યું હતું. નોંધનીય બાબત એ છે કે વર્તમાન ફેબ્રુઆરી મહિનામાં દેશમાં સોનાની આયાત 85 ટકા ઘટીને 20 વર્ષની નીચી સપાટીએ રહેવાની ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.
ગત સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે નફારૂપી વેચવાલીના દબાણને કારણે સોનાના ઘટતા ભાવને ટેકો મળ્યો હતો. સપ્તાહના અંતે અમેરિકાના જાન્યુઆરી મહિનાના પર્સનલ ક્ધઝમ્પશન એક્સ્પેન્ડિચર ડેટામાં બજારની અપેક્ષાનુસાર 0.3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી તેમ જ આ ડેટાને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં સાવચેતીનું વલણ જાળવી રાખે તેવી શક્યતા પ્રબળ બની હતી. અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી 4 માર્ચથી કેનેડા અને મેક્સિકોથી થતી આયાત સામે 25 ટકા ટેરિફ લાદવાની અને ચીનથી થતી આયાત સામે 10 ટકા અતિરિક્ત ટેરિફ લાદવાની જાહેરાત કરી હોવાથી વૈશ્ર્વિક સ્તરે ટ્રેડ વૉરની ભીતિ સપાટી પર આવી હતી અને અનિશ્ર્ચિતતાનું વાતાવરણ હોવા છતાં સોનામાં ડૉલરની મજબૂતી અને નફારૂપી વેચવાલીને કારણે તેજીને બ્રેક લાગી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગત સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોનામાં સાપ્તાહિક ધોરણે ત્રણ મહિના પછી સૌથી મોટો 3.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, માસિક ધોરણે ભાવ સુધારાતરફી રહ્યા હતા. જોકે, આગામી સપ્તાહ દરમિયાન પણ વૈશ્ર્વિક સોનામાં વેચવાલીનું દબાણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહે વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ 2800 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની અને ઔંસદીઠ 2940 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં 10 ગ્રામદીઠ રૂ. 82,500ની સપાટી ટેકાની અને રૂ. 86,500ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે.
દરમિયઊન ગઈકાલે અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં સાવચેતીનું વલણ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર ઈન્ડેક્સ બે સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ 2846.19 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ 1.6 ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ 2848.50 ડૉલરની સપાટીએ બંધ રહ્યા હતા.
આ પણ વાંચો…યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક! ફ્લોરિડામાં રિસોર્ટ પરથી 3 વિમાન પસાર થયા
તાજેતરમાં ડૉલરની મજબૂતી અને નફારૂપી વેચવાલીને કારણે પીછેહઠ જોવા મળી રહી છે. તેમ જ અમુક અંશે ઈક્વિટી માર્કેટમાં થયેલી નુકસાની સરભર કરવા માટે પણ રોકાણકારોનું સોનામાં વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું ઝેનર મેટલ્સનાં સ્ટ્રેટેજિસ્ટ પીટર ગ્રાન્ટે જણાવ્યું હતું. અમેરિકાની ટેરિફની નીતિઓની અર્થતંત્ર પર કેવી અસર પડે તેની અવઢવને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ ટૂંકા સમયગાળાના ધિરાણના વ્યાજદર 4.25થી 4.50 ટકા આસપાસની સપાટીએ જાળવી રાખે તેવી શક્યતા ફિલાડેલ્ફિયા ફેડનાં પ્રેસિડૅન્ટ પેટ્રિક હાર્કરે વ્યક્ત કરી હતી. જોકે, ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.