જીએસટીમાં ફેરફારને પ્રદર્શિત કરવા અને ડિસ્કાઉન્ટની જાહેરાત કરવા વાણિજ્ય મંત્રાલયનો રિટેલ ચેઈનને અનુરોધ | મુંબઈ સમાચાર
વેપાર

જીએસટીમાં ફેરફારને પ્રદર્શિત કરવા અને ડિસ્કાઉન્ટની જાહેરાત કરવા વાણિજ્ય મંત્રાલયનો રિટેલ ચેઈનને અનુરોધ

નવી દિલ્હીઃ જીએસટીનાં દરોનું તાર્કિકરણને કારણે ઉત્પાદનોમાં થયેલા ભાવમાં સુધારાને મુખ્ય રીતે પ્રદર્શિત કરવાની સાથે ડિસ્કાઉન્ટની જાહેરાત કરવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રિટેલ ચેઈનને જણાવ્યું છે.

અત્રે રિટેલર્સ એસોસિયેશન ઑફ ઈન્ડિયા, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી ઍન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે રિટેલરોએ તેના બિલ/રસીદમાં જીએસટી ડિસ્કાઉન્ટ દર્શાવવું જોઈએ અને ખાસ કરીને જે ચીજોમાં વધુ ફરક પડ્યો હોય તે ખાસ પ્રદર્શિત કરવું જોઈએ. તેમ જ જીએસટી ડિસ્કાઉન્ટની પોસ્ટર, ફ્લાયર, પ્રિન્ટ, ટીવી અને ઓનલાઈન તથા તેમનાં પોતાના રિટેલ નેટવર્ક મારફતે જાહેરાત કરવી જોઈએ.

આપણ વાંચો: જીએસટીનો લાભ ગ્રાહકો સુધી પહોંચવો જરૂરી: સીબીઆઈસી ચાંપતી નજર રાખશે

વધુમાં ડિપાર્ટમેન્ટે એવી પણ ભલામણ આપી હતી કે આગામી તહેવારોની મોસમમાં રિટેલ વેચાણનાં આંકડાઓ પર દેખરેખ રાખીને તેને વિવિધ ચેનલો મારફતે જાહેર કરવા જોઈએ. આગામી પહેલા નોરતા અથવા તો આગામી 22મી સપ્ટેમ્બરથી સુધારિત જીએસટીના દરનો અમલ થતાં સાબુથી માંડીને કાર, શેમ્પુથી માંડીને ટ્રેક્ટર અને એરકન્ડિશનર જેવી અંદાજે 400 જેટલી ચીજોનાં ભાવમાં ઘટાડો થશે.

નોંધનીય બાબત એ છે કે આગામી 22મી સપ્ટેમ્બરથી જીએસટીનાં વર્તમાન 12 ટકા અને 18 ટકાના દર દૂર થઈને મુખ્યત્વે પાંચ ટકા અને 15 ટકા એમ માત્ર બે જ દર અમલી રહેશે, જેને પગલે દેનિક ખાદ્ય અને અનાજ-કરિયાણાની ચીજો પાંચ ટકાનાં દર હેઠળ આવશે, જ્યારે બે્રડ, દૂધ અને પનીર પર શૂન્ય ટકા જીએસટી રહેશે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button