વેપાર

આગામી સપ્તાહે વાણિજ્ય મંત્રાલય નિકાસ પ્રોત્સાહન માટેનાં આઠ ઘટકો જાહેર કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ આગામી સપ્તાહે વાણિજ્ય મંત્રાલય નિકાસ પ્રોત્સાહન માટેના રૂ. 25,060 કરોડના એક્સપોર્ટ પ્રમોશન મિશનનાં ઈ-કોમર્સ, ફેક્ટરિંગ સર્વિસીસ અને વેરહાઉસિંગ સહિતનાં આઠ ઘટકોની જાહેરાત કરે તેવી શક્યતા એક સરકારી વરિષ્ઠ અધિકારીએ વ્યક્ત કરી છે.

ગત સાલ નવેમ્બર મહિનામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. 45,000 કરોડની બે સ્કીમને મંજૂરી આપી હતી, જેમાં રૂ. 25,060 કરોડના એક્સપોર્ટ પ્રમોશન મિશનનો અને રૂ. 20,000 કરોડની એક્સપોર્ટ ક્રેડિટ ગૅરૅન્ટી સ્કીમનો સમાવેશ થતો હતો.

નોંધનીય બાબત એ છે કે એક્સપોર્ટ પ્રમોશન મિશન બે સંકલિત પેટા સ્કીમથી કાર્ય કરે છે. જેમાં નિર્યાત પ્રોત્સાહન (નાણાકીય સક્ષમકર્તાઓ) અને નિર્યાત દિશા (નાણાકીય સિવાયના સક્ષમકર્તાઓ)નો સમાવેશ થાય છે.

નિર્યાત પ્રોત્સાહન હેઠળ ખાસ કરીને એમએસએમઈને શિપમેન્ટ પહેલાના અને પછીનાં ધિરાણ પરનાં વ્યાજ સબવેન્શન, નિકાસ ફેક્ટરિંગ અને ડીપ ટાયર ફાઈનાન્સિંગ, ઈ-કોમર્સ નિકાસકારો માટે ક્રેડિટ કાર્ડ, નિકાસ ધિરાણ માટે કોલેટરલ ટેકો અને નવા અથવા તો વધુ જોખમ ધરાવતા બજારો માટે ધિરાણ વિસ્તરણ જેવા સાધનો દ્વારા નિકાસકારો માટે સસ્તુ વેપાર ધિરાણ ઉપલબ્ધ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

બીજી તરફ પેટા યોજના નિર્યાત દિશા યોજનાનો મુખ્ય હેતુ નિકાસ ગુણવત્તા અને નિયમનકારી પાલન (પરિક્ષણ-ટેસ્ટિંગ), પ્રમાણપત્ર (સર્ટિફિકેશન), ઑડિટ વગેરે), આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ અને પેકેજિંગ સહાય, વેપાર મેળાઓ અને ખરીદદાર-વેચનાર વચ્ચેની બેઠકમાં ભાગીદારી, નિકાસ વેરહાઉસિંગ અને પરિવહન, અંતરિયાળ વિસ્તારોના નિકાસકારો માટે આંતરદેશીય પરિવહન વળતર અને ક્લસ્ટરો, સંગઠનોની જિલ્લા સ્તરે ક્ષમતા ઊભી કરી સ્પર્ધાત્મકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

ગત ડિસેમ્બર મહિનામાં સરકારે રૂ. 4531 કરોડની માર્કેટ એક્સેસ સપોર્ટ સ્કીમની જાહેરાત કરી હતી. ત્યાર બાદ જાન્યુઆરીમાં સરકારે રૂ. 7295 કરોડનાં એક્સપોર્ટ સપોર્ટ પેકેજની જાહેરાત કરી હતી જેમાં નિકાસકારોની ધિરાણ ઉપલબ્ધિમાં વધારો કરાવવા માટે રૂ. 5181 કરોડની ઈન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમનો અને રૂ. 2114 કરોડના કોલેટરલ સપોર્ટનો સમાવેશ થતો હતો. આ પગલાં છ વર્ષ માટે અથવા તો વર્ષ 2025થી 2031 માટે જાહેર કરવામાં આવ્યા હતા.

હવે અમે એક્સપોર્ટ પ્રમોશન મિશનનાં આઠ ઘટકોને અંતિમ ઑપ આપી દીધો છે અને આગામી સપ્તાહે તેની જાહેરાત કરશું, એમ વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવતા ઉમેર્યું હતું કે આ ઘટકો મુખ્યત્વે ઈ-કોમર્સ, વેરહાઉસિંગ અને ફેક્ટરિંગ સર્વિસીસ પર ધ્યાન કેન્દ્રિત કરનારા હશે. નોંધનીય બાબત એ છે કે ફેક્ટરિંગ સર્વિસીસ એ વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતુ ફાઈનાન્સિંગ સાધન છે. જોકે, ભારતમાં વ્યાજના ઊંચા દર અને જોખમનું પ્રીમિયમ વધુ તેમ જ સબવેન્શન સ્કીમની પેરિટીના અભાવને કારણે ફેક્ટરિંગ ખર્ચ વધુ હોવાથી તેની સ્વીકૃતિ ઓછી છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આંતર સરહદીય ફેક્ટરિંગ સર્વિસીસ અંદાજે 758 અબજ ડૉલરની છે, જ્યારે ભારતમાં તેનું મૂલ્ય માત્ર એક અબજ ડૉલર આસપાસનું છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button