આઈઆરઈએફ દ્વારા યોજાનારા આંતરરાષ્ટ્રીય પરિસંવાદને અપેડાનો બિન નાણાકીય ટેકોઃ વાણિજ્ય મંત્રાલયની સ્પષ્ટતા…

નવી દિલ્હીઃ ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશન (આઈઆરઈએફ) દ્વારા આગામી 30-31 ઑક્ટોબરના રોજ ભારત મંડપમ ખાતે ભારત ઈન્ટરનેશનલ રાઈસ કોન્ફરન્સ (બીઆઈઆરસી)નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ પ્રેમ ગર્ગ પર અમુક વર્ગ તરફથી થઈ રહેલા આક્ષેપોની સ્પષ્ટતા કરતાં આજે વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અપેડા (એગ્રિકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઑથોરિટી) ફેડરેશનને માત્ર બિનનાણાકીય ટેકો આપી રહ્યું છે.
પ્રસાર માધ્યમનાં એક વિભાગમાં ફેડરેશનનાં રાષ્ટ્રીય પ્રમુખ અથવા તો ફેડરેશનની કામગીરી અંગે કરવામાં આવેલા ચોક્કસ આરોપોના સંદર્ભમાં વાણિજ્ય વિભાગ આ બાબતે ટિપ્પણી નહીં કરે કેમ કે તે વ્યક્તિ અને ખાનગી વેપારીઓની સંસ્થાનો મામલો છે, એમ મંત્રાલયે એક યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે સરકાર નિયમિતપણે તમામ આર્થિક ક્ષેત્રમાં હિસ્સેધારકો સાથે સંપર્કમાં હોય છે જેથી નિર્ણય લઈ શકાય અને વેપારને પ્રોત્સાહન મળતું રહે.
નોંધનીય બાબત એ છે કે ભારતની કૃષિ નિકાસમાં ચોખાનું આગવું સ્થાન છે અને વર્ષ 2024-25માં ભારતની ચોખાની નિકાસ 12.95 અબજ ડૉલરની સપાટીએ રહી હતી તેમ જ ભારત ચોખાનો વૈશ્વિક અગ્રણી ઉત્પાદક દેશ પણ રહ્યો હતો. આમ કૃષિ ક્ષેત્રે ચોખાના વિશેષ મહત્ત્વને ધ્યાનમાં રાખીને મંત્રાલય અને તેનાં વિભાગો હિસ્સેધારકોની સાથે જ છે અને ભારત ઈન્ટરનેશનલ રાઈસ કોન્ફરન્સ (બીઆઈઆરસી)ને બિનનાણાકીય ટેકો આપી રહ્યું છે.
વધુમાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ અથવા તો પરિસંવાદનું વેપારી સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં તેના સભ્યોમાં ચોખા ક્ષેત્રના નિકાસકારો અને ચોખા સાથેની આર્થિક યંત્રણામાં સંકળાયેલા અન્ય હિસ્સેધારકોનો સમાવેશ થાય છે. આ સંસ્થા અથવા તો ફેડરેશનમાં પ્રમુખ અને સભ્યોની નિમણુકમાં વાણિજ્ય મંત્રાલયના કોઈ વિભાગની ભૂમિકા નથી.
અપેડા ચોખાની નિકાસના વિસ્તરણ અને પ્રોત્સાહન માટે એક સર્વાંગી અને સંકલિત કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પરિસંવાદમાં સંબંધિત મંત્રાલયોને સામેલ કરીને આ કાર્યક્રમને સમર્થન આપી રહ્યું છે. તેમ જ આ કાર્યક્રમ માટે સ્થળનું બુકિંગ, ખરીદદારો માટે પ્રવાસ ભાડું અને રહેવા માટેની સુવિધાનું આયોજન સહિતનો તમામ ખર્ચ આઈઆરઈએફના પોતાના ભંડોળ અથવા તો ખાનગી સ્પોન્સરશિપ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.



