ભારે ચંચળતાને કારણે કોફીની નિકાસ મંદ પડે તેવી શક્યતા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળી રહ્યું હોવાથી વર્તમાન નાણાકીય વર્ષમાં દેશની કોફીની નિકાસ ધીમી પડીને 22,000 ટનથી 25,000 ટન આસપાસની સપાટીએ રહે તેવી શક્યતા દેશનાં ચોથા ક્રમાંકના અગ્રણી નિકાસકાર અલાના ક્નઝ્યુમર પ્રોડક્ટ્સ લિ.નાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતું.
અમે ગત ઑગસ્ટ મહિના સુધીમાં 11,000 ટન ગ્રીન કોફીની નિકાસ કરી છે અને શેષ નાણાકીય વર્ષ સુધીમાં વધુ 11,000 ટનથી 15,000 ટનની નિકાસ થાય તેવી શક્યતા અલાનાના કોફી વિભાગનાં એસોસિયેટ ડિરેક્ટર સી પી બોપન્નાએ જણાવતા ઉમેર્યું હતું કે એકંદરે છેલ્લા બે વર્ષથી બજારમાં ચંચળતા વધી હોવાથી નિકાસ વૃદ્ધિ માટે યોજના ઘડવી મુશ્કેલ બની રહી છે.
છેલ્લાં 40 વર્ષમાં અમે ન જોઈ હોય તેવી ભારે ચંચળતા એકથી દોઢ વર્ષ દરમિયાન જોવા મળી છે. આથી અમને માત્ર પાંચથી દસ ટકા વૃદ્ધિ થવાની ધારણા મૂકી રહ્યા છીએ અને હાલના તબક્કે કોઈ નીતિ કે વ્યૂહ ઘડવા બહુ મુશ્કેલ છે. જોકે, બજારની અનિશ્ચિતતા, ખરીદી અને ટ્રેડિંગ તક આધારિત હોવાથી કંપની રેવેન્યૂ વૃદ્ધિ માટે નફાના માર્જિનને અગ્રતાક્રમ આપી રહી છે.
નોંધનીય બાબત એ છે કે અલાના મુખ્યત્વે મધ્ય પૂર્વના દેશો, ઉત્તર આફ્રિકા, રશિયા, યુરોપ, દક્ષિણ કોરિયા અને દક્ષિણપૂર્વ એશિયા ખાતે કોફીની નિકાસ કરે છે. તેમ જ કોફીની નિકાસ બજારમાં કંપની મધ્ય પૂર્વની બજારમાં 60થી 70 ટકા બજાર હિસ્સો ધરાવે છે અને શેષ હિસ્સો યુરોપ તથા અન્ય દેશોનો છે. હાલમાં અમેરિકા ખાતે ઊંચા નૂરભાડા ઉપરાંત ટૅરિફના મુદ્દે નિકાસ નગણ્ય થઈ ગઈ હોવાનું તેમણે જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકી ખરીદદારો કોફીનાં અગ્રણી નિકાસકાર દેશ બ્રાઝીલથી ખરીદ કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે વર્તમાન કોફી વર્ષ 2025-26 (ઑકટોબર-સપ્ટેમ્બર)માં કોફી બોર્ડે દેશમાં કોફીનાં ઉત્પાદનનો અંદાજ સાધારણ વધારી 4.03 લાખ ટનનો મૂક્યો છે, પરંતુ કમોસમી વરસાદને કારણે ઉત્પાદન અગાઉના અંદાજ કરતાં ઘટે તેવી શક્યતા બોપન્નાએ વ્યક્ત કરી હતી.