બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળની કંપનીઓ કૉલ ઈન્ડિયા પાસેથી કોલસાની સીધી ખરીદી કરી શકશે

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની કંપની કૉલ ઈન્ડિયા લિ.એ આજે જણાવ્યું હતું કે પાડોશી દેશ બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળનાં ખરીદદારો હવે ભારતીય આડતિયાઓને દૂર રાખીને કોલસાનાં ઓનલાઈન લિલામની પ્રક્રિયામાં સીધા ભાગ લઈ શકશે.
આ પગલાથી વધારાના કોલસાના સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ થવાની સાથે પારદર્શિતાને પ્રોત્સાહન મળશે.
નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે સરહદ પારનાં ગ્રાહકોને કૉલ ઈન્ડિયા લિ.નાં કોલસાની પહોંચ માત્ર સ્થાનિક વેપારીઓ મારફતે જ થઈ શકતી હતી, જેઓને અંતિમ વપરાશનાં પ્રતિબંધો વિના ખરીદી અને વેચાણ માટે મંજૂરી આપવામાં આવી હોય તેવા કોલસાના વેપારીઓ દ્વારા જ થઈ શકતી હતી.
આપણ વાચો: આ વર્ષે કોલસાની વૈશ્વિક માગ વધી પરંતુ, વર્ષ 2030 સુધી માગ ઘટશેઃ આઈઈએ
જોકે, ગત પહેલી જાન્યુઆરી, 2026થી કૉલ ઈન્ડિયા લિ.એ બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળ જેવાં પાડોશી દેશોના ખરીદદારો જે ભારતીય કોલસાની આયાત કરવા ઈચ્છતા હોય તેઓ હવે કંપની દ્વારા આયોજવામાં આવતા સીધા સિંગલ વિન્ડો મૉડ એગ્નોસ્ટિક (એસડબ્લ્યુએમએ) ઑક્શનમાં ભાગ લઈ શકે છે, એમ કૉલ ઈન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે એસડબ્લ્યુએમએ ઑક્શન અથવા તો લિલામ એ એક એકીકૃત અને સરળ ઈ-લિલામનું પ્લેટફોર્મ છે, જે વર્ષ 2022માં મલ્ટિપલ ઑક્શન વિન્ડોને સ્થાને અમલી બનાવવામાં આવ્યું હતું. આ એક સિંગલ પ્લેટફોર્મ છે જે બજાર પરિબળોને આધારે કોલસાની પ્રાપ્તિ સરળ બનાવે છે અને પારદર્શક પણ છે.
કૉલ ઈન્ડિયાના બોર્ડે આ પગલાં માટે તાજેતરમાં મંજૂરી આપી હતી અને ઑક્શનના મેકેનિઝમમાં ફેરફાર કર્યા છે. વિદેશી ખરીદદારો માટે એસબ્લ્યુએમએ ઈ-ઑક્શન ખોલવામાં આવતા સ્થાનિકમાં કોલસાની જરૂરિયાતોનું સંપૂર્ણ રક્ષણનો અભિગમ અપનાવવામાં આવશે તેમ જ આ પગલું પારદર્શકતા અને સ્પર્ધાત્મકતા વધારવાની સાથે વૈશ્વિક બજારનાં એકીકરણને પણ વધારશે, એમ કંપનીનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
સુધારિત માળખામાં વિદેશી ખરીદદારો હવે એસડબ્લ્યુએમએ લિલામમાં સ્થાનિક ખરીદદારોની સાથે સહભાગી થઈ શકશે.



