વેપાર

સપ્ટેમ્બરમાં કોલસાની આયાતમાં 14 ટકાનો ઉછાળો

નવી દિલ્હીઃ તહેવરોની મોસમ પૂર્વે ઈંધણની માગમાં વધારો થવાથી ગત સપ્ટેમ્બર મહિનામાં દેશમાં કોલસાની આયાત સપ્ટેમ્બર, 2024ના 1.942 કરોડ ટન 13.54 ટકા વધીને 2.205 કરોડ ટનની સપાટીએ રહી હતી.

તેમ જ સપ્ટેમ્બરમાં થયેલી કુલ આયાતમાં નોન કૉકિંગ કૉલની આયાત ગત સાલના સમાનગાળના 1.324 કરોડ ટન સામે વધીને 1.390 કરોડ ટનની સપાટીએ રહી હતી, જ્યારે સ્ટીલ ક્ષેત્ર માટે આવશ્યક એવા કૉકિંગ કૉલની આયાત ગત સાલના 33.9 લાખ ટન સામે વધીને 45 લાખ ટનની સપાટીએ રહી હોવાનું એમ જંક્શન સર્વિસીસ દ્વારા તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

એમ જંક્શન સર્વિસીસની માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નોન કૉકિંગ કૉલની આયાત ગત સાલના સમાનગાળાના 9.192 કરોડ ટન સામે ઘટીને 8.606 કરોડ ટનની સપાટીએ રહી હતી, જ્યારે કૉકિંગ કૉલની આયાત ગત સાલના સમાનગાળાના 2.818 કરોડ ટન સામે વધીને 3.154 કરોડ ટનના સ્તરે રહી હતી. નોંધનીય બાબત એ છે કે એમ જંક્શન સર્વિસીસ એ બી ટૂ બી ઈ-કૉમર્સ પ્લેટફોર્મ છે અને ટાટા સ્ટીલ તથા સ્ટીલ ઑથૉરિટી ઑફ ઈન્ડિયાનું સંયુક્ત સાહસ છે.

આપણ વાચો: ઑગસ્ટમાં કોલસાની આયાત સાધારણ ઘટીને 2.058 કરોડ ટન

કોલસાની આયાતના આ વલણ અંગે એમ જંક્શનનાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર વિનય વર્માએ જણાવતાં ઉમેર્યું હતું કે તહેવારોની મોસમ પૂર્વે ખરીદદારોએ નવી પૉઝિશન લીધી હોવાથી કામકાજના વૉલ્યૂમમાં વધારો જોવા મળ્યો છે. વધુમાં આગામી શિયાળાની મોસમને કારણે ઊર્જા વપરાશમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા આગામી દિવસોમાં આયાતમાં વધારાનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય.

વધુમાં ક્ષેત્રના નિષ્ણાતો જણાવે છે કે આ વર્ષે મેટાલર્જિકલ અને ઔદ્યોગિક કોલસામાં ખાસ કરીને સ્ટીલ મીલોની મજબૂત માગ પાવર ક્ષેત્રની નબળી માગને સરભર કરે તેમ જણાય છે. જોકે, સરકાર વિવિધ પગલાંઓ લઈને ક્રિયપણે સ્થાનિકમાં ઉત્પાદન વૃદ્ધિ મારફતે કોલસાની આયાત નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમ છતાં સ્ટીલ ઉદ્યોગે ઉચ્ચ ગુણવત્તાવાળા થર્મલ કૉલની સ્થાનિકમાં ઓછી ઉપલબ્ધિ રહેતી હોવાથી આયાત પર આધાર રાખવો પડે છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button