એપ્રિલથી સપ્ટેમ્બરમાં દેશમાં કોલસાની આયાત આઠ ટકા વધી
નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરિમયાન દેશમાં કોલસાની આયાત ગત સાલના સમાનગાળાના ૧૩.૦૩૪ કરોડ ટન સામે ૭.૮ ટકા વધીને ૧૪.૦૬૦ કરોડ ટનની સપાટીએ રહી હોવાનું બી ટૂ બી ઈ-કોમર્સ કંપની એમજંક્શન સર્વિસીસ લિ.એ એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
એકંદરે સ્થાનિક સ્તરે પર્યાપ્ત સ્ટોક અને સ્પોટ ઈ-ઑક્શનમાં વૉલ્યુમ વધુ હોવાથી એકંદરે આગામી સમયગાળામાં આયાતી કોલસામાં માગ સાધારણ રહે તેવી શક્યતા એમજંક્શનના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર વિનય વર્માએ જણાવ્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં કોલસાની આયાત સપ્ટેમ્બર, ૨૦૨૩ના ૨.૧૬૦ કરોડ ટન સામે ૧૦.૦૯ ટકા ઘટીને ૧.૯૪૨ કરોડ ટનની સપાટીએ રહી હતી. તેમ જ કુલ આયાતમાં નોન કોકિંગ કૉલની આયાત ઘટીને ૧.૩૨૪ કરોડ ટન (૧.૪૮૮ કરોડ ટન) અને કોકિંગ કૉલની આયાત પણ ઘટીને ૩૩.૯ લાખ ટન (૪૫.૯ લાખ ટન)ની સપાટીએ રહી હતી.
તેમ જ ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નોન કોકિંગ કૉલની આયાત વધીને ૯.૧૯૨ કરોડ ટન (૮.૩૪૫ કરોડ ટન) અને કૉકિંગ કૉલની આયાત ઘટીને ૨.૮૧૮ કરોડ ટન (૨.૯૪૪ કરોડ ટન)ની સપાટીએ રહી હતી. આ સમયગાળામાં ખાસ કરીને તહેવારોની મોસમ પૂર્વે નોન કોકિંગ કૉલની આયાતમાં સાધારણ વધારો જોવા મળ્યો છે, જ્યારે સ્ટીલ ઉદ્યોગની માગ નબળી રહેતાં કૉકિંગ કૉલની આયાતમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું વર્માએ ઉમેર્યું હતું.
વર્તમાન નાણાકીય વર્ષમાં સ્થાનિક સ્તરે કોલસાનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના ૪૨.૮ કરોડ ટન સામે છ ટકા વધીને ૪૫.૩ કરોડ ટનની સપાટીએ રહ્યું છે. તાજેતરમાં કોલસા ખાતાના પ્રધાન જી ક્રિષ્ણન રેડ્ડીએ જણાવ્યું હતું કે કૉલ ઈન્ડિયા લિ.એ કોલસાના ઉત્પાદનમાં વૃદ્ધિને અગ્રતાક્રમ આપ્યો છે અને આયાત ઘટાડવા માટે પુરવઠાને પણ વેગ આપ્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે દેશમાં કોલસાના કુલ ઉત્પાદનમાં કૉલ ઈન્ડિયા ૮૦ ટકા જેટલો બહોળો હિસ્સો ધરાવે છે.
વર્તમાન નાણાકીય વર્ષમાં કોલસાનું ઉત્પાદન ૧૭ કરોડ ટન કરતાં વધુ રહેવાનો કોલસા મંત્રાલયનો આશાવાદ
નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૫માં દેશમાં કેપ્ટિવ અને કોમર્શિયલ કૉલ બ્લોક્સમાંથી કોલસાનું ઉત્પાદન ૧૭ કરોડ ટન કરતાં વધુ રહે તેવો આશાવાદ સરકારે વ્યક્ત કર્યો છે.
કોલસા મંત્રાલયની એક યાદીમાં જણાવ્યાનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી નવેમ્બર સુધીમાં કેપ્ટિવ અને કોમર્શિયલ બ્લોક અથવા તો ખાણમાંથી કોલસાનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના ૭.૫૦૫ કરોડ ટન સામે ૩૩ ટકા વધીને ૧૦.૦૮ કરોડ ટનની સપાટીએ રહ્યું છે. તેમ જ આ સમયગાળામાં કોલસાની રવાનગી પણ ગત સાલના સમાનગાળાના ૮.૦૨૩ કરોડ ટન સામે વધીને ૧૦.૭૮૧ કરોડ ટનની સપાટીએ રહી છે.
આમ હાલમાં કોલસાના ઉત્પાદનની સ્થિતિને ધ્યાનમાં લેતા કોલસા મંત્રાલયને આશાવાદ છે કે આ વર્ષે દેશમાં કેપ્ટિવ અને કોમર્શિયલ બ્લોકમાંથી કોલસાનું ઉત્પાદન ૧૭ કરોડ ટનના લક્ષ્યાંક કરતાં વધુ રહેશે, એમ કોલસા મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે.
દેશમાં કોલસાના કુલ ઉત્પાદનમાં કેપ્ટિવ અને કોમર્શિયલ કોલ માઈન્સના ઉત્પાદનનાં હિસ્સામાં મક્કમ ધોરણે વધારો થઈ રહ્યો છે જે દેશમાં કોલસાના ક્ષેત્રમાં થયેલા સુધારાને પ્રતિબિંબિત કરે છે અને દેશ એનર્જી માટેના સ્રોતમાં આત્મનિર્ભરતા મેળવવા માટેની દિશા તરફ મજબૂતીથી આગળ ધપી રહ્યો હોવાના સંકેતો આપે છે, એમ મંત્રાલયે યાદીમાં ઉમેર્યું હતું.