એપ્રિલથી ડિસેમ્બરમાં પાવર ક્ષેત્ર માટે કોલસાની આયાત 54 ટકા ઘટી

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ડિસેમ્બર સુધીનાં નવ મહિનાના સમયગાળામાં દેશનાં પાવર ક્ષેત્રમાં સ્થાનિક કોલસા સાથે મિશ્રિત થતાં કોલસાની આયાત ગત સાલના સમાનગાળાની સરખામણીમાં 54 ટકા ઘટી હોવાથી ઊંચા ઈનપૂટ્સ ખર્ચનો સામનો કરી રહેલા સ્થાનિક કોલસા આધારિત પાવરના એકમોને નોંધપાત્ર માત્રામાં રાહત થઈ હોવાનું તાજેતરમાં સરકારે જણાવ્યું હતું.
તાજેતરમાં લોકસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોલસા અને ખાણ ખાતાના પ્રધાન જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25માં પાવર ક્ષેત્રમાં મિશ્રણ માટેનાં કોલસાની આયાત આગલા નાણાકીય વર્ષ 2022-23નાં 3.510 કરોડ ટન સામે ઘટીને 1.402 કરોડ ટનની સપાટીએ રહી હતી. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીની કોલસાની આયાત આગલા વર્ષના સમાનગાળાના 1.2 કરોડ ટન સામે 54 ટકા ઘટીને 55 લાખ ટનની સપાટીએ રહી હતી. આમ આયાત ઘટવાને કારણે સ્થાનિકમાં કોલસા આધારિત પાવર ક્ષેત્રના એકમોના ઈનપૂટ ખર્ચમાં ઘટાડો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ગત નાણાકીય વર્ષ 2024-25માં ભારતની કોલસાની આયાત વર્ષ 2023-24નાં 26.453 કરોડ ટન સામે ઘટીને 24.362 કરોડ ટનના સ્તરે રહેતા દેશની વિદેશી હૂંડિયામણની અનામતમાં અંદાજે રૂ. 60,681.67 કરોડનો ઘટાડો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે કૉલ ઈન્ડિયા લિ. જે દેશનાં કોલસાના કુલ ઉત્પાદનમાં 80 ટકા જેટલો બહોળો હિસ્સો ધરાવે છે તેણે સ્થાનિકમાં કોલસાના ઉત્પાદનમાં વધારો કરવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. જેમાં ખાસ કરીને તેની ભૂગર્ભ ખાણોમાં નવી અને અદ્યતન માસ પ્રોડક્શન ટેક્નોલૉજી અપનાવી છે અને જ્યાં શક્ય હોય ત્યાં ખાણીયાઓ, લોંગવૉલ અને હાઈવૉલનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, તેની ઓપન કાસ્ટ ખાણોમાં ઉચ્ચ ક્ષમતાવાળા ખોદકામ કરનારા અને ડમ્પરમાં અત્યાધુનિક ટેક્નોલૉજી છે. તેમ જ ઓપન કાસ્ટ ખાણોમાં ભારે અર્થ મૂવિંગ મશીનરીનું સ્ટાન્ડર્ડાઈઝેશન કરવામાં આવ્યું છે.
ઓપન કાસ્ટ ખાણોમાં પર્યાવરણ સાનુકૂળલક્ષી ખનન માટે કાર્યક્ષમ ખાણિયાઓ તૈનાત કરવામાં આવે છે. તેમ જ તેની સાત મેગા ખાણોમાં પ્રધાન્યતા સાથે ડિજિટલ ટ્રાન્ફોર્મેશન લાગુ કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.



