વેપાર

ચીનથી આયાત થતાં પૉલિયસ્ટર યાર્નનાં ડમ્પિંગ સામે તપાસ

નવી દિલ્હીઃ ચીનની કંપનીઓ દ્વારા ભારતમાં પૉલિયસ્ટર ટેક્સ્ચ્યોર્ડ યાર્નનું દેશમાં ડમ્પિંગ થઈ રહ્યું હોવાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતની બે કંપનીઓ દ્વારા થયેલી ફરિયાદને ધ્યાનમાં લેતા ભારત સરકારે તપાસ હાથ ધરી હોવાનું એક નોટિફિકેશનમાં જણાવ્યું છે.

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)ના જણાવ્યાનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વેલનોન પૉલિયસ્ટરે અરજીમાં ફરિયાદ કરી હતી કે ચીનથી આયાત થઈ રહેલા સસ્તા યાર્નને કારણે સ્થાનિક ઉદ્યોગને નોંધપાત્ર હાનિ થઈ રહી હોવાથી અમે સરકારને એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવાનો અનુરોધ કર્યો છે.

અરજદારો દ્વારા ફાઈલ કરવામાં અરજી અને દર્શાવામાં આવેલા ડમ્પિંગનાં પુરાવાઓ પ્રાથમિક દૃષ્ટિએ યોગ્ય જણાતા અમે આ ઉત્પાદનોની ડમ્પિંગ અંગેની તપાસ હથ ધરી હોવાનું ડીજીટીઆરએ નોટિફિકેશનમાં જણાવ્યું છે.

આપણ વાચો: ચીનના જાપાનના સી-ફૂડ પર પ્રતિબંધના અહેવાલથી ભારતીય કંપનીઓને ફાયદો, શેરના ભાવમાં ઉછાળો

જો તપાસમાં ફલિત થશે કે ડમ્પિંગને કારણે સ્થાનિક ઉદ્યોગના હિતો નોંધપાત્ર રીતે જોખમાઈ રહ્યા છે તો ડીજીટીઆર આ આયાત સામે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવાની ભલામણ કરી શકે છે. અલબત્ત ડ્યૂટી લાદવા અંગેનો અંતિમ નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવતો હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સસ્તી આયાતને કારણે સ્થાનિક ઉદ્યોગને કેટલીક માત્રામાં હાનિ થઈ રહી છે તેની આકારણી કરવા માટે એન્ટિ ડમ્પિંગ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે.

સામાન્યપણે જીનિવા સ્થિત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં બહુપક્ષીય શાસન હેઠળ આ ડ્યૂટી લાદવામાં આવે છે. આ ડ્યૂટીનો મુખ્ય ઉદ્દેશ વાજબી વેપાર પ્રથા સુનિશ્ચિત કરવાનો અને વિદેશી ઉત્પાદકો અને નિકાસકારોની સરખામણીમાં સ્થાનિક ઉત્પાદકો માટે એક સમાન તક બનાવવાનો હોય છે. નોંધનીય બાબત એ છે કે ભારતે ચીન સહિત વિવિધ દેશોમાંથી થતી સસ્તી આયાતનો સામનો કરવા માટે ઘણાં ઉત્પાદનો પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદી છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button