ચીને નિકાસ પ્રતિબંધિત કરતાં સ્પેશિયાલિટી ફર્ટિલાઈઝરના ભાવમાં ઉછાળો

નવી દિલ્હીઃ હાલ દેશમાં રવી વાવેતરની મોસમ ચાલી રહી છે ત્યારે ગત 15મી ઑક્ટોબરથી ચીને યુરિયા અને સ્પેશિયાલિટી ફર્ટિલાઈઝરીની નિકાસ બંધ કરતાં સ્થાનિક સ્તરે તેનાં ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો હોવાનું ઉદ્યોગના એક અધિકારીએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ચીને તાજેતરમાં જ ગત 15મી મેથી ઑક્ટોબરથી નિકાસ શરૂ કરી હતી, પરંતુ ગત 15મી ઑક્ટોબરથી આગામી નોટિસ જારી કરવામાં ન આવે ત્યાં સુધી નિકાસ બંધ કરી હોવાથી તેની માઠી અસર માત્ર ભારત જ નહીં, વિશ્વભરની બજારો પર પણ જોવા મળી છે.
આ પ્રતિબંધમાં ટીએમએપી (ટેક્નિકલ મોનોએમોનિયમ ફોસ્ફેટ) જેવાં સ્પેશિયાલિટી ફર્ટિલાઈઝર અને ઍડબ્લ્યુ સહિતનાં પરંપરાગત ડાય એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) અને યુરિયાનો સમાવેશ થાય છે. ચીને ગત 15મી ઑક્ટોબરથી માત્ર ભારત માટે નિકાસ બંધ નથી કરી પરંતુ સમગ્ર વિશ્વ માટે બંધ કરી હોવાનું સોલ્યુબલ ફર્ટિલાઈઝર ઈન્ડસ્ટ્રી એસોસિયેશન (એસએફઆઈએ)નાં પ્રમુખ રાજીવ ચક્રવર્તીએ પીટીઆઈને જણાવતાં ઉમેર્યું હતું કે મારા મતે આ નિકાસ પ્રતિબંધ પાંચથી છ મહિના માટે હશે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ભારત ટીએમએપી જેવાં ફોસ્ફેટ અને એડબ્લ્યુ જેવાં એમિશન કંટ્રોલ ફ્લ્યુડ સહિતનાં સ્પેશિયાલિટી ફર્ટિલાઈઝરની કુલ માગ પૈકી 95 ટકા આયાત ચીનથી કરે છે. વધુમાં ચક્રવર્તીએ જણાવ્યું હતું કે હાલમાં આમ પણ સ્પેશિયાલિટી ફર્ટિલાઈઝરના ભાવ ઊંચી સપાટીએ છે અને ચીને નિકાસ નિયંત્રિત કરતાં હજુ ભાવમાં 10થી 15 ટકાનો વધારો થઈ શકે છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ભારતમાં વર્ષે અંદાજે 2,50,000 ટન સ્પેશિયાલિટી ફર્ટિલાઈઝરનો વપરાશ થાય છે. જેમાં 60થી 65 ટકા વપરાશ ઑક્ટોબરથી માર્ચ દરમિયાનની રવી મોસમમાં થતો હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન રવી મોસમ માટેની સ્થાનિકમાં પુરવઠાખેંચનો કોઈ પ્રશ્ન નથી કેમ કે ટ્રેડરોએ વૈશ્વિક ટ્રેડિંગ એજન્સીઓ પાસેથી પુરવઠો સલામત કરી લીધો છે, પરંતુ ભાવ પર અસર જરૂર પડશે. જો ચીનના નિકાસ નિયંત્રણો માર્ચ 2026 કરતાં વધુ સમય માટે લંબાવવામાં આવે તો ચિંતાનો વિષય છે. તેમ છતાં ભારત માટે દક્ષિણ આફ્રિકા, ચીલી અને ક્રોએશિયા જેવાં વૈકલ્પિક સ્રોત છે, પરંતુ તે માત્ર એકાદ બે ઉત્પાદનો માટે છે. જોકે, આ વર્ષે સારા વરસાદને કારણે પાણીની અનામત વધુ હોવાથી દેશમાં રવી મોસમ માર્ચ પછી પણ લંબાય તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.