વેપાર

ઑક્ટોબરમાં ચીનની નિકાસ 1.1 ટકા ઘટી, અમેરિકા ખાતેના શિપમેન્ટ 25 ટકા ઘટ્યા

હૉંગકૉંગઃ ગત ઑક્ટોબર મહિનામાં ચીનથી અમેરિકા ખાતેનાં શિપમેન્ટમાં 25 ટકા જેટલો ઘટાડો થવાથી કુલ નિકાસમાં 1.1 ટકાનો ઘટાડો આવ્યો હોવાનું સરકારી અહેવાલમાં જણાવાયું છે.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શિ જિનપિંગ ગત સપ્તાહે વેપાર તણાવ હળવો કરવા માટે સંમત થયા બાદ વર્તમાન વર્ષ 2025ના છેલ્લા ત્રિમાસિકગાળામાં વૉશિંગ્ટન સાથેનાં વેપાર તણાવમાં રાહત મળી શકે છે, પરંતુ એકંદરે વેપાર ઘર્ષણ અન્ય માગ પર મંદી લાવી રહ્યું હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.

આપણ વાચો: ટ્રમ્પની ટેરિફ વોરની અસર, ભારતની અમેરિકામાં નિકાસમાં 37.5 ટકાનો ઘટાડો

ચીનના કસ્ટમ વિભાગની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં ચીનની નિકાસમાં 8.3 ટકાની વૃદ્ધિ જોવા મળ્યા બાદ ગત ઑક્ટોબર મહિનામાં નિકાસમાં ગત ફેબ્રુઆરી પછી પહેલી વખત 1.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વધુમાં ગત સપ્ટેમ્બર મહિનામાં આયાતમાં 7.4 ટકાની વૃદ્ધિ નોંધાયા બાદ ગત ઑક્ટોબર મહિનામાં એક ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

વધુમાં આંકડાકીય માહિતીમાં જણાવ્યાનુસાર ગત ઑક્ટોબરમાં ચીનનાં અમેરિકા ખાતેનાં શિપમેન્ટમાં સતત સાતમાં મહિનામાં ઘટાડો નોંધાયો હતો અને ઘટાડો દ્વીઅંકી સંખ્યામાં હતો. જોકે, ચીને નિકાસ બજાર દક્ષિણપૂર્વ એશિયા અને આફ્રિકા તરફ વિકેન્દ્રીત કરી છે. જોકે, ગત ઑક્ટોબરમાં નિકાસમાં જોવા મળેલો ઘટાડો મુખ્યત્વે ઑક્ટોબર, 2024નાં ઊંચા બેઝને કારણે પણ જોવા મળ્યો છે કેમ કે તે સમયે નિકાસમાં બે વર્ષનો સૌથી વધુ ઝડપી 12.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button