ચીનથી થતી સસ્તી આયાત માગ અવરોધતી હોવાથી ખાનગી મૂડીગત્ ખર્ચમાં નિરસતા

મુંબઈઃ દેશમાં ચીનમાંથી થતાં સીધા વિદેશી રોકાણો પર મૂકવામાં આવેલાં નિયંત્રણો અંગે પુનર્વિચારણા કરવા અર્થશાસ્ત્રી સજ્જિદ ચિનોયે હિમાયત કરતાં દલીલ કરી હતી કે આ પાડોશી દેશથી થતી આયાત સામે ટૅરિફ લાદવા કરતાં ચીનનાં રોકાણોને મંજૂરી આપવી વધુ લાભદાયી ઠરશે.
જેપી મોર્ગનનાં ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ અને વડા પ્રધાનની ઈકોનોમિક એડવાઈઝરીના પાર્ટ ટાઈમ સભ્ય ચિનોયે જણાવ્યું હતું કે દેશમાં ચીનથી થતી સસ્તી આયાતનાં પ્રવાહનો કારણે ખાનગી મૂડીગત્ ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે. ચીનની અમેરિકા ખાતેની નિકાસ વહેતી નદીના પ્રવાહ જેવી હતી, પરંતુ ડૉનલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ લાદેલી 32 ટકા ટૅરિફે દીવાલ જેવું કામ કરતાં હવે ચીન તે માલ સામાન ભારત જેવાં ઊભરતા અર્થતંત્રોમાં ઠાલવી રહ્યું છે.
અત્રે એશિયા સોસાયટી દ્વારા આયોજિત એક પ્રસંગને સંબોધતા ચિનોયે જણાવ્યું હતું કે નિકાસ વધારવા માટે નજર દોડાવી રહેલા ઊભરતાં અર્થતંત્રો સામે ચીનથી થઈ રહેલી સસ્તી આયાત પડકારો સર્જી રહી છે. મારી દલીલ એવી છે કે ભારતનાં કોર્પોરેટ્સમાં મૂડીગત્ ખર્ચમાં વધારો થયો નથી કારણ કે સ્થાનિક માગમાં વધારો દૃષ્ટિગોચર નથી થતો. ચીનથી થતી સસ્તી આયતથી ઊભરાઈ રહેલી બજારોમાં ડિસઈન્ફ્લેશનનું દબાણ વધારી રહી છે અને તમે સ્પર્ધા કરવાનું શરૂ કરી રહ્યા છો, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: ચીનથી આયાત થતાં પૉલિયસ્ટર યાર્નનાં ડમ્પિંગ સામે તપાસ
પ્રેસ નોટ 3 મારફતે વર્ષ 2020માં લાદવામાં આવેલા સીધા વિદેશી રોકાણો પરનાં નિયંત્રણોની અસર અંગે નિર્દેશ આપતા તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેનાં વેપારમાં છેલ્લાં પાંચ વર્ષમાં ભારતની વેપાર ખાધ જે 50 અબજ ડૉલર હતી તે વધીને 115 અબજ ડૉલરની સપાટીએ પહોંચી છે. નવી દિલ્હી અને બિજિંગ વચ્ચેના સંબંધો મિલનસાર થઈ રહ્યા છે ત્યારે ચીનોયે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે સીધા વિદેશી રોકાણમાંથી ચીનને પ્રતિબંધિત કરવાની નીતિ પર પુનર્વિચાર કરવા રાજકીય સર્વસંમતી બનાવવામાં આવશે અને સ્પષ્ટતા કરી હતી કે આવી નીતિ કાઉન્ટર પ્રોડક્ટ્ીવ છે.
દેશમાં ચીનથી આયાત થાય તેના કરતાં ચીનનાં રોકાણો ભારતમાં કેમ ન આવે ? જો આવું પગલું ભરવામાં આવે તો સ્થાનિક સ્તરે રોજગાર વૃદ્ધિ થાય અને સ્થાનિક અર્થતંત્રને પણ મદદ મળે. ભારતને ચીનના ઘણાં ઈન્ટરમીડિયેટસ માલોની આવશ્યકતા હોય છે તે જોતા તમે ચીનથી આયાત કરવા કરતાં ભારતમાં તેનું મૂલ્યવર્ધન સંચય કરવાનું વધુ પસંદ કરશો, એમ તેમણે ઉમેર્યું હતું.
કોવિડ-19 મહામારીના સમયગાળામાં પ્રેસ નોટ 3ની ફેર સમીક્ષા કરવામાં આવશે કે કેમ એવું પત્રકાર વર્તુળોએ પૂછતા તેમણે ખાનગી રોકાણોમાં મંદ પ્રવાહ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ટૅરિફ અંતરાયોને ધ્યાનમાં લેતા સંશોધનોમાં રોકાણ ઓછું જ રહેશે.



